અમદાવાદ : અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર સોમવારે વહેલી સવારે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં કાળા રંગની એક બેગમાં નવજાત બાળકી મળી આવી હતી. માત્ર 2 દિવસની બાળકીને કોઈ બેગમાં પુરીને જનરલ ડબ્બામાં મૂકીને જતું રહ્યું હતું. બાળકી જીવીત છે અને હાલ સિવિલમાં સારવાર હેઠળ છે.
બેગમાંથી મળી બાળકી: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર સોમવારે વહેલી સવારે લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાં કાળા રંગની એક બેગમાં નવજાત બાળકી મળી આવી હતી. માત્ર 2 દિવસની બાળકીને કોઈ બેગ પુરીને જનરલ ડબ્બામાં મૂકીને જતું રહ્યું હતું. બાળકી જીવિત છે બાળકીનું વજન માત્ર 1.5 કિલો છે હાલ આ માસૂમ સિવિલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર છે. હાલ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવેએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસે શરૂ કરી તપાસ: ઉલ્લેખનીય છે કે, લોકશક્તિ ટ્રેન મુંબઈના બ્રાન્દ્રા સ્ટેશનથી ઉપડે છે અને વચ્ચે અનેક સ્ટેશન આવે છે. એટલે એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે, બાળકી સાથેનો થેલો ટ્રેનમાં ક્યારે મુકાયો. પણ પોલીસને શંકા છે કે અમદાવાદ અથવા તો નજીકના સ્ટેશન પર જ આ ઘટનાને અંજામ અપાયો હોઈ શકે છે. પોલીસ દ્વારા અમદાવાદ, આણંદ અને નડિયાદ સ્ટેશનના સીસીટીવી તપાસવાની કાર્યવાહી કરાશે. તો પોલીસે શંકાસ્પદ વ્યક્તિ મામલે કુલી અને સ્ટોલ ધારકોની પણ પૂછપરછ કરશે.
સારવાર હેઠળ બાળકી: અમદાવાદમાં અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “બાળકીને જોતા જણાય છે કે બાળકી છ થી સાત દિવસની છે. જ્યારે સવારે 6:00 વાગ્યાના અરસામાં બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી ત્યારે ફરજ પરના તબીબ દ્વારા તેની તપાસ કરતા તેની સ્થિતિ સ્થિર છે તેમ જાણકારી મળી હતી. પરંતુ હાલમાં પ્રાથમિક સારવાર માટે બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 1200 બેડની હોસ્પિટલમાં બાળકોના આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.