જામનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એક નવો વિવાદ શરુ થયો છે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર સ્માર્ટ વીજ મીટર (Smart Meter) લગાવવામાં આવ્યા છે. પરંતુ આ સ્માર્ટ વીજ મીટરમાં વધારે બિલ આવતું હોવાની ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં આ સ્માર્ટ વીજ મીટર મુદ્દે વિરોધ શરુ થયો હતો. આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. જેને લઇ હવે જામનગરમાં PGVCL દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
નોર્મલ અને સ્માર્ટ વીજ મીટર લગાવ્યા: જામનગરમાં એક દુકાનમાં નોર્મલ વીજ મીટર અને સ્માર્ટ વીજ મીટર એક સાથે લગાવ્યા હતા. આ સાથે જ દુકાનના માલિકે આ મુદ્દે પહેલા PGVCL ને રજૂઆત કરી હતી. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ મામલે પહેલા ઉર્જા વિભાગમાં અરજી કરી મંજૂરી લેવી પડશે. ત્યારે તેમણે એ મંજૂરી મેળવી અને અંતે તેમને ત્યાં આ બે મીટર એક સાથે લગાવવામાં આવ્યા છે. જેને લઈને હવે તેઓ જાણી શકશે કે ખરેખર સ્માર્ટ વીજ મીટરમાં વધુ બિલ આવે છે કે નહિ.
બંને વીજ મીટરમાંથી કયું યોગ્ય છે: આ મામલે PGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આજે એક નવતર પ્રયોગ કર્યો છે. અમે એક જ દુકાનમાં બે અલગ અલગ મીટર લગાવ્યા છે. હવે આ બંને મીટરના રીડિંગ્સ આવ્યા બાદ ખબર પડી જશે કે નોર્મલ વીજ મીટર જ બરોબર છે કે સ્માર્ટ વીજ મીટરથી ખરેખર રીડિંગ્સ અને ટેરીફમાં કંઈ જ ફર્ક પડે છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ પ્રયોગ બાદ સ્માર્ટ વીજ મીટર ગ્રાહકો માટે ફાયદાકારક છે કે પછી નુકશાનકારક છે.