તાપી : ડોલવણ તાલુકા તેમજ તેના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના પાણી પંચોલ ગામની આશ્રમ શાળામાં ભરાઈ જતાં, અંદાજે 200 થી વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. તેઓને NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા. પાણી ઓસરી જતા હાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
શાળામાં ફસાયા 200 વિદ્યાર્થી : ભારે વરસાદને કારણે પંચોલ ગામની આશ્રમ શાળા સુધી પહોંચવા માટેના બધા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે 200 થી વધુ વિદ્યાર્થીઓને આશ્રમ શાળાના પહેલા માળે મોકલી દેવામાં આવ્યા હતા. પાણી ઓસરતાની સાથે જ NDRF ટીમ દ્વારા બપોરે 3 વાગ્યાના આસપાસ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હાલ બાળકોને સલામત સ્થળે ગડત આશ્રમશાળામાં ખસેડી અન્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન : આશ્રમ શાળાના આચાર્ય રાકેશભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે સાડા આઠના સમય દરમિયાન અચાનક આશ્રમ શાળામાં પાણી ભરાવાથી બાળકોને તાત્કાલિક કમ્પાઉન્ડની બહાર એક મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા. લગભગ 267 જેટલા બાળકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. NDRF ટીમે લગભગ 3 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ચાલુ કર્યું અને ભારે જહેમત બાદ તમામ બાળકોને સાંજે 5 વાગ્યાની આસપાસ બહાર કાઢી બોટમાં બેસાડી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.