નવસારી : સરકારી પ્રાથમિક શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ મોટાભાગે સામાજિક અને આર્થિક રીતે મધ્યમ અથવા પછાત વર્ગના હોય છે. તેમના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર પ્રયાસો કરે છે. અભાવમાં જીવતા આવા વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસમાં ઉજળો દેખાવ કરી શકે એ માટે શાળાના શિક્ષકો પણ પ્રયાસરત હોય છે. આવો જ સુંદર પ્રયાસ નવસારીની ઉગત પ્રાથમિક શાળાના શિક્ષિકાએ કર્યો છે.
પ્રયોગશીલ શિક્ષિકા કૌશિકાબેન : ઉગત પ્રાથમિક શાળાના શિક્ષિકા કૌશિકાબેન પટેલે ફેંકી દેવાતી નકામી વસ્તુઓમાંથી અવનવા રમકડા બનાવ્યા છે. આ ફક્ત રમકડા નથી, પરંતુ જ્ઞાન પિરસતા પ્રાયોગિક સાધનો છે. જેના થકી બાળકો માતૃભાષા અને અંક ગણિતને સરળતાથી સમજી શકે છે. કૌશિકાબેને વેસ્ટમાંથી બેસ્ટ એવા અવનવા 50થી વધુ TLM પ્રોજેક્ટ બનાવ્યા છે. આ શૈક્ષણિક પ્રયોગથી બાળકોને અભ્યાસમાં રુચિ લેતા થયા અને તેમનો શૈક્ષણિક પાયો પણ મજબૂત બન્યો છે.
જ્ઞાન પિરસતા પ્રાયોગિક સાધનો : શિક્ષિકા કૌશિકા પટેલ શાળામાં આવતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં રૂચિ લેતા થાય એ માટે પ્રયાસરત છે. આસપાસની વસ્તુઓનો અભ્યાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એ વિચાર સાથે તેમણે ફેંકી દેવાતી નકામી વસ્તુનો ઉપયોગ કરી શૈક્ષણિક સાધનો બનાવ્યા છે. કૌશિકા પટેલ કેરીના ગોટલા, પિસ્તાના છોટલા, સરૂના બી, ચીભડાંના બી, આઈસ્ક્રીમ સ્ટીક, દિવાસળીના ખોખા, આમલીના કચુકા, રેતીમાંથી મળતા નાના શંખ અને છીપલા, પૂઠા જેવી વસ્તુઓનો ઉપયોગ કરી એકડા, કક્કો તેમજ શબ્દો વગેરે લખી બાળકોને અભ્યાસ કરાવે છે.
સકારાત્મક પરિણામ : શિક્ષિકાનો આ પ્રયોગ ઘણો સફળ રહ્યો અને બાળકો સરળતાથી એકડા અને કક્કા શીખતા થયા છે. ઘરે પહોંચીને પણ આ બાળકો નકામી વસ્તુઓ ભેગી કરી, તેનાથી રમતા રમતા ગણન, વાંચન કરી પોતાનું ગૃહ કાર્ય કરે છે. જેના થકી એમનો આત્મવિશ્વાસ વધવા સાથે કલ્પના શક્તિ તેમજ અભ્યાસ પ્રત્યે રુચિ વધી છે. જ્યારે શૈક્ષણિક પરિણામમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. બાળકોને પણ શિક્ષિકા કૌશિકા પટેલ ગમી રહ્યા છે.
વાલીઓની પસંદ પ્રાથમિક શાળા : પ્રાથમિક શાળામાં શિક્ષકોની કામગીરી પર વાલીઓની નજર હોય છે. જેમાં ઘણીવાર શિક્ષકોની કાર્ય પદ્ધતિ વાલીઓને ગમતી હોતી નથી, તેના કારણે સરકારી શાળાને બદલે મજબૂરીમાં ખાનગી શાળામાં પ્રવેશ અપાવે છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી બાળકના ભણવાનો ખર્ચ તેમના બજેટને ખોરવી નાખે છે. ઉગત પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને રમતા રમતા શિક્ષણ આપવાના આ પ્રયોગને વાલીઓ પણ સરાહી રહ્યા છે. સાથે જ અન્ય શિક્ષકો પણ વિદ્યાર્થીઓ માટે આવા અવનવા પ્રયોગો કરે એવી આશા પણ વ્યક્ત કરી છે.
પ્રાથમિક શાળાના શિક્ષકો : નવસારી જિલ્લામાં 700 થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં ઘણી શાળાઓમાં શિક્ષકો દ્વારા શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવવા સાથે સારી રીતે અભ્યાસ કરી, સારૂ પરિણામ પણ મેળવે તેવા પ્રયાસો થતા રહે છે, જે શિક્ષણ જગત માટે ગૌરવની વાત છે.
આદર્શ અને પ્રેરણાદાયી શિક્ષકનું ઉદાહરણ : નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલે જણાવ્યું કે, શિક્ષિકા કૌશિકા પટેલ વેસ્ટમાંથી બેસ્ટ TLM પ્રોજેક્ટ બનાવી બાળકોને ભણાવી રહ્યા છે, તે ખૂબ સરાહનીય છે. તેમની આ ભણાવવાની રીતથી પ્રાથમિક શાળાનો ડ્રોપ આઉટ રેશિયો પણ નહિવત થયો છે. આ શાળામાંથી કોઈ અન્ય શાળામાં પણ ગયું નથી. તેમના આ કાર્યને જોઈને અન્ય શિક્ષકો પણ પ્રેરાયા છે. કૌશિકાબેન જે રીતે શિક્ષણ આપી રહ્યા છે તે જ રીતે પોતાની શાળામાં શિક્ષણ આપે તેવી અમે પણ અપીલ કરીએ છીએ.