નવસારી : સ્વરાજની લડતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી આ લડત બ્રિટીશ શાસન માટે અંતિમ ક્રાંતિકારી સંગ્રામના પ્રારંભ સમી પુરવાર થઈ હતી. આ દાંડી યાત્રાને આજે 94 વર્ષ પૂર્ણ થયા છે. બ્રિટિશ હુકુમત દ્વારા મીઠા પર નાખવામાં આવેલા કર સામેના વિરોધમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કાઢવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના દિવસે પોતાના આશ્રમના 79 સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. તે સમયે ગાંધીજીની ઉંમર 61 વર્ષની હતી. માર્ગમાં બે વધુ સત્યાગ્રહીઓ જોડાયા હતા અને કાનૂનભંગની રાષ્ટ્ર વ્યાપી લડતનો આરંભ થયો. ત્યારે કુલ 81 સત્યાગ્રહીઓ ઉપસ્થિત હતાં. 25 દિવસ બાદ 241 માઈલનું અંતર કાપી મહાત્મા ગાંધી સહિત સત્યાગ્રહીઓ 5 એપ્રિલે દાંડી પહોંચ્યા હતાં.બ્રિટિશ સરકારના જુલમી શાસનના પાયાને હચમચાવી નાખનારી અને અત્યંત પડકારરૂપ સિદ્ધ થયેલી આ લડતે ભારત સહિત સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
મહાત્મા ગાંધીીને નમક સત્યાગ્રહ કરવાની ફરજ કેમ પડી : બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનની જનતા ઉપર 1882માં મીઠાના ઉત્પાદનને સરકારી ઇજારાશાહી હેઠળ લઈને તેના પર ભારે કર લાદવાની શરૂઆત કરી. જેમાં 2400 ટકા નમક વેરો નાખ્યો હતો અને ભારતીયને મીઠું એકઠું કરવા કે વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. એટલું જ નહીં ભારતીયને અંગ્રેજો પાસેથી જ મીઠું ખરીદવું પડતું અને એ મીઠા પર અંગ્રેજો મસ મોટો કર વસૂલતા હતા અને કર પેટેના અઢળક રૂપિયા સરકારની તિજોરીમાં જમા થતા હતાં. સામાન્યમાં સામાન્ય માણસ પર આ કર લાગુ પડતો હતો અને મીઠા વગર કોઈપણ વ્યક્તિ ચલાવી ન શકે તેથી દરેક માણસ પર આ કર બોજારૂપ સાબિત થઇ રહ્યો હતો. મીઠું કુદરતી રીતે પાકતું હોવાથી તેના પર કર ન હોવો જોઈએ તેવું ગાંધીજી માનતા હતાં. હિન્દુસ્તાનની જનતાના આ દુઃખને મહાત્મા ગાંધી સમજી રહ્યા હતાં કારણ કે નમક વેરો રૈયતને કચડી નાખે તેવો હતો. એટલે મહાત્મા ગાંધીએ દેશભરના લોકોને સ્પર્શતા આ મુદ્દે નમક કાનૂન તોડવા અને અગાઉની જેમ પ્રજા પોતાની મેળે મીઠું ઉત્પાદન કરે એ માટેની જાગૃતિ લાવવા માટે દાંડીકૂચનું આયોજન કર્યું હતું.
મીઠા ઉપરનો વેરો કેવો હતો : સરકારી પ્રકાશન મુજબ એક બંગાળી મણ ( 82 રતલ ) ના એક મણ મીઠાનો ભાવ 10 પાઈનો પડતો તેના ઉપર વેરો 20 આના (240 પાઈ ) એટલે કે વેચાણ કિંમત ઉપર 2400 ટકા વેરો થયો. 1925-26 ના વર્ષમાં સરકારની વાર્ષિક કુલ આવકના 19.7 ટકા આવક મીઠાના કરમાંથી થઈ હતી. મીઠા ઉપરના વેરાની નાબૂદી માટે નમક સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું અને 12 માર્ચ 1930 ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજ સરકાર દ્વારા મીઠા પર લગાવવામાં આવેલા કરના નિર્ણય સામે મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી ત્યારે નમક સત્યાગ્રહનો દાવો કેટલો સાર્થક હતો તેનું લોકોને પણ ભાન થવા લાગ્યું અને દેશભરમાં લડત માટેનું વાતાવરણ જામતું ગયું.
નવસારીનું દાંડી કેમ પસંદ કરવામાં આવ્યું : સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં જ સત્યાગ્રહ માટેના સ્થળની શોધખોળ આરંભાઇ હતી અને સત્યાગ્રહનું સ્થળ ગુજરાતમાંથી જ પસંદ કરવાનું હતું. કારણ કે ગુજરાતને લાંબો દરિયા કિનારો મળ્યો છે અને કુદરતી મીઠું પાકે તેવા ઘણા સ્થળો ગુજરાતમાં આવેલા હતાં. ખેડા જિલ્લાના મહી નદીને કાંઠે આવેલા બદલપુર ગામને નમક સત્યાગ્રહ કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું, પરંતુ ગાંધીજીના મંત્રી મહાદેવભાઇ દેસાઈના મતે ખેડા જિલ્લા સુધીની યાત્રા તો ચાર પાંચ દિવસમાં જ પૂરી થઈ જાય તેથી જો યાત્રા લંબાવવામાં આવે તો દેશભરમાં પ્રચાર પ્રસાર માટે પૂરતો સમય મળી રહે તેમનું આ સૂચન સરદારને પણ ગમ્યું હતું, તેથી ફરીથી સ્થળની પસંદગી માટે કલ્યાણજીભાઈ નરહરીભાઈ અને લક્ષ્મીદાસ આશરની ત્રિપુટીએ સુરત જિલ્લાના સ્થળોની મુલાકાત લીધી. દરિયા કિનારે આવેલું જલાલપુર તાલુકાનું દાંડી ગામ સૌને ગમ્યું અને દાંડી ગામની પસંદગી કરવામાં આવી.
ગાંધીજીએ નવસારીના કાંઠા વિસ્તારના લોકો પર વિશ્વાસ મૂક્યો : જ્યારે મહાત્મા ગાંધીને નવસારીના કાંઠા વિસ્તારમાં આવેલા દાંડી ગામની સત્યાગ્રહ માટેની પસંદગીની વાત ધ્યાને મૂકવામાં આવી ત્યારે તેમને પણ આ નિર્ણય ખૂબ ગમ્યો હતો. કારણ કે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કરેલી લડતમાં તેમની સાથે દક્ષિણ ગુજરાતના કાંઠા વિભાગના યુવાનોએ લડતમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. તેઓ ટેકીલા અને વફાદાર અને જુસ્સાદાર હતા. તેનો ગાંધીજીને અનુભવ હતો. તે યુવાનો પૈકી ભાઈઓ કાછલીયા, નાના છીતા, ફકીરા હતા તેમાં કાછલીયાભાઈ વિશે ગાંધીજીએ કહ્યું હતું કે કાછલીયાના વેણના ભણકારા હજુ મારા કાનમાં વાગે છે, એ ભાઈનાથી વધારે બહાદુર અહીં કે દક્ષિણ આફ્રિકામાં એકે હિન્દુ અને મુસલમાન ભાઈ મેં જોયો નથી. તેથી હું બીજાને પ્રમાણપત્ર ન આપુ પણ તેને તો આપું છું. કેમકે એનો મને અનુભવ છે. આમ તેઓએ નવસારી કાંઠા વિસ્તારના લોકો પર વિશ્વાસ મૂક્યો હતો. તો બીજી તરફ બારડોલીના સત્યાગ્રહને કારણે સુરત જિલ્લામાં કાર્યકરોની મોટી ફોજ હતી. દાંડી સુધીની લાંબી યાત્રાથી દેશભરમાં આંદોલન કરાવવા માટે પર્યાપ્ત સમય પણ મળી રહેતો જણાયો. આ બધા પરિબળોને લીધે દાંડીની પસંદગી થઈ તો ગાંધીજીના શબ્દો હતા કે "દાંડીની પસંદગી મનુષ્યની નથી પણ ઈશ્વરની જ છે"
સત્યાગ્રહીઓની યાદી : દાંડીકૂચમાં ભાગ લેનારા સત્યાગ્રહીઓની યાદી : (1) ગાંધીજી (ગુજરાત), (2) પ્યારેલાલ (પંજાબ), (3) છગનલાલ નથ્થુભાઈ જોષી (ગુજરાત), (4) પંડિત નારાયણ મોરેશ્વર ખરે (મહારાષ્ટ્ર), (5) ગણપતરાવ ગોડસે (મહારાષ્ટ્ર), પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર (કચ્છ), (7) મહાવીર ગિરિ (નેપાળ), (8) બાળ દત્તાત્રેય કાલેલકર (મહારાષ્ટ્ર), (9) જયંતિ નથ્થુભાઈ પારેખ (ગુજરાત), (10) રસિક દેસાઈ (ગુજરાત), (11) વિઠ્ઠલ લીલાધર ઠક્કર (ગુજરાત), (12) હરખજી રામજીભાઈ હરિજન (ગુજરાત), (13) તનસુખ પ્રાણશંકર ભટ્ટ (ગુજરાત), (14) કાંતિલાલ હરિલાલ ગાંધી (ગુજરાત), (15) છોટુભાઈ ખુશાલભાઈ પટેલ (ગુજરાત), (16) વાલજીભાઈ ગોવિંદજી દેસાઈ (ગુજરાત), (17) પન્નાલાલ બાલાભાઈ ઝવેરી (ગુજરાત), (18) અબ્બાસ વરતેજી (ગુજરાત), (19) પૂંજાભાઈ ઉર્ફે વિનુભાઈ શાહ (ગુજરાત), (20) માધવજી ઠક્કર (કચ્છ), (21) નારાણજીભાઈ (કચ્છ), (22) મગનભાઈ વોરા, (કચ્છ), (23) ડુંગરશીભાઈ (કચ્છ), (24) સોમાલાલ પ્રાગજીભાઈ પટેલ (ગુજરાત), (25) હસમુખલાલ જોખાકર (ગુજરાત), (26) દાઉદભાઈ (મુંબઈ), (27) રામજીભાઈ વણકર (ગુજરાત), (28) દિનકરરાય પંડ્યા (ગુજરાત), (29) દ્વારકાનાથ (મહારાષ્ટ્ર), (30) ગજાનન ખરે (મહારાષ્ટ્ર), (31) જેઠાલાલ રૂપારેલ (કચ્છ), (32) ગોવિંદ હરકરે (મહારાષ્ટ્ર), (33) પાંડુરંગ (મહારાષ્ટ્ર), (34) વિનાયકરાવ આપ્ટે (મહારાષ્ટ્ર), (35) રામધીર રાય (સંયુક્ત પ્રાંત ઉ.પ્ર.), (36) સુલતાનસિંહ (રાજપૂતાના – રાજસ્થાન), (37) ભાનુશંકર દવે (ગુજરાત), (38) મુનશીલાલ (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (39) રાઘવનજી (કેરળ), (40) રાવજીભાઈ નાથાભાઈ પટેલ (ગુજરાત), (41) શિવાભાઈ ગોકળભાઈ પટેલ (ગુજરાત), (42) શંકરભાઈ ભીખાભાઈ પટેલ (ગુજરાત), (43) જશભાઈ ઈશ્વરભાઈ પટેલ (ગુજરાત), (44) સુમંગલ પ્રકાશજી (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (45) ટાઈટસજી (કેરળ), (46) કૃષ્ણ નાયર (કેરળ), (47) તપન નાયર (તમિળનાડુ), (48) હરિદાસ વરજીવનદાસ ગાંધી (ગુજરાત), (49) ચીમનલાલ નરસિંહલાલ શાહ (ગુજરાત), (50) શંકરન્ (કેરળ), (51) સુબ્રમણ્યમ્ (આંધ્રપ્રદેશ), (52) રમણીકલાલ મગનલાલ મોદી (ગુજરાત), (53) મદનમોહન ચતુર્વેદી (રાજપૂતાના – રાજસ્થાન), (54) હરિલાલ માહિમતુરા (મુંબઈ), (55) મોતીબાસ દાસ (ઉત્કલ-ઓરિસા), (56) હરિદાસ મજમુદાર (ગુજરાત), (57) આનંદ હિંગોરાણી (સિંધ), (58) મહાદેવ માર્તંડ (કર્ણાટક), (59) જયંતિપ્રસાદ (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (60) હરિપ્રસાદ (સંયુક્ત પ્રાંત – જન્મ ફિજીમાં), (61) ગિરિવરધારી ચૌધરી (બિહાર), (62) કેશવ ચિત્રે (મહારાષ્ટ્ર), (63) અંબાલાલ શંકરભાઈ પટેલ (ગુજરાત), (64) વિષ્ણુ પંત (મહારાષ્ટ્ર), (65) પ્રેમરાજજી (પંજાબ), (66) દુર્ગેશચંદ્ર દાસ (બંગાળ), (67) માધવલાલ શાહ (ગુજરાત), (68) જ્યોતિરામજી (સંયુક્ત પ્રાંત ઉ.પ્ર.), (69) સૂરજભાણ (પંજાબ), (70) ભૈરવ દત્ત (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (71) લાલજી પરમાર (ગુજરાત), (72) રત્નજી (ગુજરાત), (73) વિષ્ણુ શર્મા (મહારાષ્ટ્ર), (74) ચિંતામણિ શાસ્ત્રી (મહારાષ્ટ્ર), (75) નારાયણ દત્ત (રાજપૂતાના – રાજસ્થાન), (76) મણિલાલ ગાંધી (ગુજરાત), (77) સુરેન્દ્રજી (સંયુક્ત પ્રાંત – ઉ.પ્ર.), (78) હરિભાઈ મોહની (મહારાષ્ટ્ર), (79) પુરાતન જન્મશંકર બુચ (ગુજરાત), (80) સરદાર ખડ્ગબહાદુર ગિરિ (નેપાળ), રસ્તેથી જોડાયા, (81) શંકર (સતીશ) દત્તાત્રેય કાલેલકર (મહારાષ્ટ્ર), રસ્તેથી જોડાયા.
આ યાદીમાં નજર કરીએ તો જણાય છે કે ગુજરાતના 32, સિંધના 1, મહારાષ્ટ્રના 13 ,નેપાળના 1, યુપીના 8 તામિલનાડુના 1, કચ્છના 6 ,આંધ્ર પ્રદેશના 1 કેરળના 4, ઉત્કલના 1, પંજાબના 3 ,કર્ણાટકના 1, રાજપુતાનાના 3, બિહારના 1 મુંબઈના 2 અને બંગાળના 1 સત્યાગ્રહી જોડાયાં હતાં. આમ કુલ સંખ્યા 79 થઇ હતી. આ સત્યાગ્રહી સૈનિકોમાં બે મુસલમાન એક ખ્રિસ્તી અને બાકીના હિન્દુઓ હતાં. તેઓમાં બાર જણા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હતાં. પાછળથી આ ટુકડીમાં બે જણાંનો ઉમેરો થયો તે શંકર કાલેલકર અને નેપાળના ખડક બહાદુરસિંહ આમ કુલ સંખ્યા 81 થઈ હતી.
યાત્રાનો રૂટ : 12 માર્ચ 1930 થી 5 એપ્રિલ 1930 25 દિવસ લગભગ 386 કિલોમીટરની યાત્રા થઇ હતી. સાબરમતી આશ્રમથી અસલાલી ,નવાગામ, માતર ,નડિયાદ, આણંદ ,બોરસદ, કંકાપુર ,કારેલી ,અણખી ,આમોદ, સમણી, દેરોલ ,અંકલેશ્વર ,માંગરોળ ,ઉમરાઈ ,ભાટગામ ,દેલાડ, છાપરાભાઠા ,વાંઝ ,ધામણ ,મટવાડ દાંડી. આમ અમદાવાદ સાબરમતી આશ્રમ થી શરૂ કરેલી આ યાત્રા પોતાના નિર્ધારિત કરેલા રૂટ ઉપર પસાર થઈ 241 માઈલની પદયાત્રા પૂર્ણ કરી દાંડી ગામ પહોંચી હતી. જ્યાં ગાંધીજીનો ઉતારો એક મુસ્લિમ શેઠ સીરાજુદ્દીન વાસીના સૈફીવિલા બંગલામાં રાખવામાં આવ્યો હતો અને અન્ય સત્યાગ્રહી સૈનિકોનો ઉતારો દાંડીમાં રહેતા ડાહ્યાભાઈ કુંવરજી દેસાઈના મકાનમાં રાખવામાં આવ્યો હતો. સૈફી વિલાના માલિક સીરાજુદ્દીન શેઠને ગાંધીજીએ કહ્યું હતું કે તમે આ બંગલો મને રોકાવા માટે આપ્યો છે પણ આ બંગલો તમે મારા કારણે ખોઈ બેસવાના છો. તે જવાબમાં સિરાજઉદ્દીન શેઠે ઉત્સાહપૂરક કહ્યું હતું કે આ બંગલો ખોવાની મારી પૂરી તૈયારી છે. ત્યારબાદ આ બંગલો સિરાજઉદ્દીન શેઠે ગાંધી સ્મારક માટે 1961માં પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે દાંડી આવ્યા હતા ત્યારે તેમણે અર્પણ કરી દીધો જેમાં આજે ગાંધી સંગ્રહાલય અને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.
સવિનય કાનૂનભંગની ઘટના : બ્રિટિશ કાયદામાં પરિવર્તન લાવવા ગાંધીજીએ 79 સત્યાગ્રહીઓ સાથે અમદાવાદ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી સત્યાગ્રહ યાત્રા 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઈલ અંતર કાપતી પગપાળા નીકળેલી આ યાત્રાનો કાફલો નવસારી થઈ દાંડી પહોંચ્યો હતો. તેમના કાફલામાં સૌથી નાનો સત્યાગ્રહી 16 વર્ષીય વિઠ્ઠલ લીલાધર ઠક્કર હતાં અને સૌથી વૃદ્ધ પોતે ગાંધીજી હતાં. તે સમયે ગાંધીજી 61 વર્ષના હતા 5 એપ્રિલ 1930ના રોજ તમામ સત્યાગ્રહીઓ ગાંધીજી સહિત પાંચ એપ્રિલે 1930 ના રોજ દાંડીઘાટ પર પહોંચ્યા હતાં અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી એપ્રિલે વહેલી સવારે ગાંધીજીએ તેમના સાથીઓ સાથે સમુદ્ર સ્નાન કરી અને પરત પોતાના મુકામે આવ્યાં. સૈફી વિલાની સામે 100 ડગલા દૂર કુદરતી મીઠું પાકેલું હતું એટલે તે સ્થળેથી જ મીઠું ઉપાડી સત્યાગ્રહ કરવાનો હતો પરંતુ આ મીઠું પાકતી જગ્યા ઉપર સરકારે પોતાના માણસો લાવીને કાદવ અને મીઠું એક કરી મીઠું બધું કાદવમાં ભેળવી દીધું હતું. પરંતુ સદનસીબે દાંડીના સ્થાનિક કાર્યકર શિભુભાઈ કેશવજીભાઈ પટેલે એક નાના અમસ્તા ખાડામાં જ્યાં મીઠું પાકેલું હતું તે ખાડાને પાંદડાથી ઢાંકી રાખ્યું હતું અને જ્યારે બાપુ સત્યાગ્રહી સૈનિકો સાથે સવારે 6:30 વાગ્યાના અરસામાં આવ્યા ત્યારે તેમણે બાપુને પાંદડાથી ઢાંકી રાખેલું મીઠું બતાવ્યું. તેથી બાપુએ વાંકા વળી ચપટી મીઠું ઉપાડી સવિનય કાનૂનનો ભંગ કર્યો અને કહ્યું કે આજથી હું બ્રિટિશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં લુણો લગાડું છું. દાંડી ગામની આસપાસ થોડે દૂર કુદરતી મીઠું ઠેર ઠેર પડેલું હતું, એટલે બાકીના સત્યાગ્રહીઓએ તે લૂંટીને કાનૂનભંગ શરૂ કર્યો. દેશભરમાં મીઠાના સફળ સત્યાગ્રહના સમાચાર વાયુ વેગે ફરી વળ્યા. ગાંધીજીનો આદેશ જાહેર થતાં ગુજરાત અને દેશના ખૂણે ખૂણે નમક સત્યાગ્રહ આંદોલન સક્રિય બની ગયું. બ્રિટિશ સરકારે શરૂઆતમાં તો એમ વિચાર્યું નહોતું કે આ સત્યાગ્રહ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે. પરંતુ ભારતના દરેક રાજ્યમાં મીઠાનો કાયદો તૂટતા જોઈ અંગ્રેજોને ગાંધીજીની ધરપકડનો વિચાર આવ્યો અને ચાર મે 1930 ની મધ્યરાત્રીએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ હજારો સત્યાગ્રહીઓની પણ ધરપકડ થઈ.
નેશનલ ટુરિઝમ સેન્ટર પણ બન્યું : ગાંધીજીએ કરેલા દાંડી સત્યાગ્રહના કારણે દાંડી ગામનું નામ આજે વિશ્વ ફલક પર જાણીતું બન્યું છે. જેના કારણે નવસારી જિલ્લાને એક નવી ઓળખ મળી છે. સરકાર દ્વારા 80 કરોડના ખર્ચે 16 એકરમાં નવું સોલ્ટ મેમોરિયલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. જેને આઈઆઈટી મુંબઈએ ડિઝાઇન કર્યો છે અને 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરી આ મેમોરિયલને રાષ્ટ્રને અર્પણ કર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં દાંડીના મેમોરીયલમાં 18 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત માટે આવ્યા છે. ગુજરાત ઉપરાંત રાજ્ય બહારના પણ પ્રવાસીઓ આવે છે અને હવે નેશનલ ટુરિઝમ સેન્ટર પણ બન્યું છે જેને કારણે વિદેશથી પણ લોકો દાંડી મેમોરિયલની મુલાકાતે આવે છે.
રોજગારની નવી તકો ઊભી થઈ : નવા નિર્માણ પામેલા સોલ્ટ મેમોરિયલ પ્રોજેક્ટ આવવાના કારણે પ્રવાસન ક્ષેત્રે વેગ મળ્યો છે અને ધંધા રોજગારની નવી તકો ઊભી થઈ છે. જેને કારણે દાંડી તથા આસપાસના કેટલાય યુવાનો અને યુવતીઓનો રોજગારનો પ્રશ્ન હલ થયો છે. નવનિર્માણ પામેલા સોલ્ટ મેમોરિયલ ખાતે સ્થાનિક તથા આસપાસના ગામોના 210 લોકો રોજગારી મેળવી રહ્યા છે.