નવસારી: બે પરિવારોની સહમતીથી ગોઠવાયેલા લગ્ન 4 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવ્યા હતાં પરંતુ લગ્નના દિવસે લગ્ન મંડપમાં મુરતિયો હાજર નહીં થતાં, યુવતી દ્વારા તેના મંગેતર વિરુદ્ધ જલાલપોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સગાઈ બાદ લગ્નની પાક્કી ખાતરીના વિશ્વાસે જે યુવતીઓ પોતાના મંગેતર સાથે શારીરિક સંબંધ રાખવાનો ભરોસો બતાવે છે એમણે આ છેતરપિંડીનો કિસ્સો જાણવા જેવો છે. પરિવારોની સહમતિથી નક્કી થયેલા લગ્નમાં લગ્ન નક્કી થાય પછી લગ્નની તારીખ આવે એ વચ્ચેનો સંવનનનો સમયગાળો કોઈ પણ નવા સંબંધ માટે સંબંધની શરૂઆતના રોમાંચનો હોય છે. રોમાન્સના આ સમયગાળામાં વિશ્વાસ અગત્યનું પરિબળ હોય છે પરંતુ વિશ્વાસઘાત થાય તો?
તપાસ અધિકારી એન.એમ આહીરે જણાવ્યું હતું કે, "છેતરપિંડીનો ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે લગ્નનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસે નોંધી છે અને ફરાર થયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે."
નવસારીમાં આવો જ વિશ્વાસઘાતનો બનાવ બન્યો છે. નવસારીના એક યુગલના લગ્ન બંને પરિવારની શમતીથી 23 જાન્યુઆરી 2023ના રોજ નક્કી થયા હતાં. ફેબ્રુઆરી 4, 2024ના રોજ લગ્ન મંડપમાં મુરતિયો આવ્યો જ નહીં. એક વર્ષના વિશ્વાસના સંબંધમાં યુવતીએ પોતાના ભાવિ પતિ સાથે સંપૂર્ણ વિશ્વાસ સાથે શારીરિક સંબંધની શરૂઆત કરી પરંતુ લગ્નમંડપમાં મુરતિયો હાજર નહીં થતાં વિશ્વાસઘાત સગાઈનું આભ યુવતીના માથે તૂટી પડ્યું. યુવતીએ આ મુદ્દે તેના મંગેતર યુવાન વિરુદ્ધ જલાલપુર પોલીસ સ્ટેશનમાં લગ્નનો વાયદો આપીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે.