નવસારી: બીલીમોરામાં દીકરીના લગ્ન માટે લાવેલા સોનાના દાગીના અને લાખોની રોકડ ચોરીના પ્રકરણમાં નવસારી LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીને આધારે આરોપીને ઝડપી પડી છે. તમને જાણીએ આશ્ચર્ય થશે કે, કોથળો લઈ ભંગાર અને કચરો વીણતી વ્યારાની મહિલાએ આ ચોરી કરી હતી. મહિલા પાસેથી પોલીસે 2.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી, તપાસને વેગ આપ્યો છે.
કચરો અને ભંગાર વીણવાની આડમાં ચોરી: તમારા ઘર આસપાસ કોથળો લઇને ભંગાર અને કચરો વિણવા આવતી મહિલા બંધ ઘર જોઈને દરવાજાનું તાળું તોડી ચોરી કરી જતી હોય એવું ક્યારેય વિચાર્યુ છે, વીડિયોમાં દેખાતી મહિલા તાપી જિલ્લાના વ્યારા લુહાર ફળિયામાં રહેતી 45 વર્ષીય ભાનુ ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા યશવંત ઢાલવાલે પોતાના ઘરેથી કચરો અને ભંગાર વિણવાનો કોથળો લઈ, એસટી બસમાં નવસારી, બારડોલી, વલસાડ, નર્મદા, સુરત જેવા શહેરોમાં પહોંચી જાય છે અને સોસાયટી, મોહલ્લા, શેરી વગેરેમાં ફરીને ત્યાં બંધ ઘર મળી જતા, તકનો લાભ લઈ પત્થર કે લોખંડના સળિયાની મદદથી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી, હાથ ફેરો કરી ફરાર થઈ જાય છે.
દરવાજાને મારેલ તાળું તોડી કરી ચોરી: ગત શનિવારે સવારે સંગીતા નવસારીના બીલીમોરા શહેરમાં પહોંચી હતી, જ્યાં બીલીરોડ ખાતે રહેતા નિવૃત્ત આચાર્ય ઉમેશ મહેતાના બંધ ઘરને તેણે નિશાન બનાવ્યું હતું. સંગીતાએ તક મળતાં જ ઘરના દરવાજાને મારેલ તાળું લોખંડના સળીયાથી તોડી ઘરમાં ઘૂસી ગઈ હતી. સંગીતા ઘરમાંથી અંદાજે 17 તોલા સોનાના દાગીના અને 5.50 લાખ રૂપિયા રોકડા ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે પોલીસ ચોપડે તો માત્ર 4.75 લાખ રોકડા અને 3.10 લાખના દાગીના મળી 7.85 હજારની ચોરી નોંધાઈ હતી.
પોલીસે આરોપીને ઝડપી પાડી: હરકતમાં આવેલી નવસારી LCB પોલીસે બીલીમોરાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા આ સાથે બાતમીદારોને એક્ટિવ કર્યા હતા. જેમાં કચરો વિણવાવાળી મહિલા ઉપર શંકા જતા તપાસને એના તરફ કેન્દ્રિત કરી હતી. તપાસમાં ઉમેશ મહેતાને ત્યાં ચોરી કરનાર વ્યારાની સંગીતા ઢાલવાલે હોવાનુ ખુલવા સાથે આ વ્યક્તિ નવસારીના નસીલપોર ગામમાં ફરતી હોવાની બાતમી મળતા પોલીસે સંગીતા ઢાલવાલેને ઝડપી પાડી ધરપકડ કરી હતી. સાથે જ તેની પાસેથી રોકડ અને એક દાગીના મળી 2.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અન્ય 11 ગુનામાં સડોવણી: નવસારી LCB પોલીસે ઝડપેલ કચરો વિણવાવાળી સંગીતા ઢાલવાલે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ અગાઉ સંગીતા સામે તાપી, નવસારી, સુરત અને નર્મદા જિલ્લામાં કુલ 11 પાકીટ મારી, ચોરીના ગુનાઓ નોંધાયા હતા. સંગીતાએ લાખો હાથમાં આવ્યા બાદ જલસા પાછળ રૂપિયા ખર્ચ્યા હતા. કપડાં લેવા સાથે જ પોતાના પતિ, પુત્ર સહિત પરિવારના સભ્યોને ખર્ચવા રૂપિયા આપ્યા હતા. જેમાં 300ની સાડીના 500 રૂપિયા આપીને મફતના રૂપિયા ઉડાવતી હતી. સાથે જ સંગીતા દારૂ પીવાની ટેવ પણ ધરાવે છે, જોકે પોલીસે ચોર સંગીતાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી, તેના અન્ય સાથીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ શું કહે છે આ મુદ્દે: નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાયએ આ બાબતે જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના વ્યારા લુહાર ફળિયામાં રહેતી 45 વર્ષીય ભાનુ ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા યશવંત ઢાલવાલે પોતાના ઘરેથી કચરો અને ભંગાર વિણવાનો કોથળો લઈ, એસટી બસમાં બેસી શહેરોમાં પહોંચી જાય છે બંધ ઘર મળી જતા, તકનો લાભ લઈ પત્થર કે લોખંડના સળિયાની મદદથી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી, હાથ ફેરો કરી ફરાર થઈ જાય છે. ગત શનિવારે સવારે સંગીતાએ તક મળતાં જ ઘરના દરવાજાને મારેલ તાળું લોખંડના સળીયાથી તોડી ઘરમાં ઘૂસી ગઈ હતી. સંગીતા ઘરમાંથી અંદાજે 17 તોલા સોનાના દાગીના અને 5.50 લાખ રૂપિયા રોકડા ચોરી ફરાર થઈ ગઈ હતી. જો કે તપાસ તે નવસારીના નસીલપોર ગામમાં ફરતી હોવાની બાતમી મળતા સંગીતા ઢાલવાલેને ઝડપી પાડી ધરપકડ કરી હતી. સાથે જ તેની પાસેથી રોકડ અને એક દાગીના મળી 2.69 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો."