નવસારી: આજથી લગભગ બે વર્ષ પહેલા નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે 35 વર્ષીય પરિણીતાને આ નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિત મહિલા મનોદિવ્યાંગ અને મૂક હોવાથી તેમના પરિવાર વિશે જાણકારી મેળવવી ખુબ અઘરી હતી. આમ છતાં, નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનના પરિવારની શોધખોળ આરંભવામાં આવી હતી. અથાગ મહેનત પછી આશ્રિત બહેનના કૌટુંબિક મિત્ર સાથે ટેલિફોનિક સંપર્ક થતા તેમના પરિવાર અને વતનની માહિતી મળી હતી.
મનોદિવ્યાંગ મહિલાને પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડાઈ: આશ્રિત મહિલા મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાના પરિવારજનોએ વર્ષ-2022માં રાયગડ જિલ્લાના પેણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વિશેષ વાત એ છે કે, આશ્રિત મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ મહારાષ્ટ્રથી નવસારી આવી શકે તેમ ન હતા. જેથી નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા પેણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમની મદદ લીધી હતી. આમ, નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંધ અને પેણ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આશ્રિત મહિલાને તેમના પરિવાર સુધી સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.
પરિવારમાં ખુશી છલકાઈ: બે વર્ષ પહેલા ગુમ થયેલા સ્વજનને સલામત જોઈને આશ્રિત મહિલાના પરિવારે ખૂબ જ લાગણીભર્યા શબ્દોથી નારી સંરક્ષણ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર અને પેણ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંધ ના આવા ભગીરથ કાર્ય માટે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે એ પ્રશંસા કરી હતી. પેણ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંધના મેનેજર ભાવિનાકુમારી આહિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: