નવસારી: શહેરના દરગાહ રોડ વિસ્તારના એપાર્ટમેન્ટમાં પાર્કિંગ મુદ્દે થયેલો વિવાદ, જૂથ અથડામણ સુધી પહોંચી ગયો હતો, પરંતુ પોલીસે સતર્કતાથી સમગ્ર મામલા પર કાબુ મેળવી લીધો છે. ગતરાત્રિ દરમિયાન ભેગા થયેલા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા સોશિયલ મીડિયા અને ઉશ્કેરણી કરતા તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નવસારી શહેરમાં શાંતિ સ્થાપવા તથા તથ્ય વિહીન સોશિયલ મીડિયા પોસ્ટ પર ધ્યાન ન આપવા રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તો ઘટના એમ છે કે, નવસારીના દરગાહ રોડ ખાતે પાર્કિંગ કરવા બાબતે એ પક્ષો વચ્ચે બોલાચાલીની ઘટના બની હતી. ઘટના બાદ મામલો ઉગ્ર બનતા સતત બીજા દિવસે આ સ્થળ ઉપર લોક ટોળું એકત્ર થઈ રહ્યું હતું પરિણામે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
રવિવારે રાત્રે પ્રજાપતિ વાડી પાસે અને દરગાહ રોડ ખાતે એકત્ર થયેલા લોક ટોળામાં બંને જૂથના 200 થી 300 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પરિણામે જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે બંને જૂથ વચ્ચે અથડામણ રોકવા 200 થી 300 લોકોના ટોળાને વિખેરી કાઢ્યું હતું. ઉપરાંત વીડિયોગ્રાફી અને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.

વિવાદને કોમી રૂપ આપવાનો પ્રયાસ: મહત્વની બાબત એ છે કે, રાત્રિ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉપરાંત કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરી તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી હતી. પોલીસે સ્થિતિનું નિરીક્ષણ કરી પુસ્તક બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. ઉપરાંત પોલીસે સમગ્ર મુદ્દે 6 સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી 4 ની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, સામાન્ય પાર્કિંગના ઝઘડાને કેટલાક તત્વોએ કોમી રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શહેરમાં શાંતિ જાળવી રાખવા પોલીસ અધિક્ષક દ્વારા તમામ વર્ગના લોકોને અપીલ કરવામાં આવી છે.


ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત રેન્જ આઈજી નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આજુબાજુના વિસ્તારોને ડ્રોનથી નજર રાખવાની કામગીરી પોલીસ કરી રહી છે. ખાસ કરીને કોઈ પણ અફવાને ધ્યાન ન લેવા જિલ્લા પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. નવસારી શહેરમાં શાંતિ સ્થાપવા તથા તથ્ય વિહીન સોશિયલ મીડિયા પોસ્ટ પર ધ્યાન ન આપવા માટે રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરનાર લોકો સામે પણ કાનૂની કાર્યવાહી થશે.

આ પણ વાંચો: