નવસારી: સુરતમાં જમીનકાંડ પ્રકરણમાં સનદી અધિકારીને સસ્પેન્ડ કરવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં જમીન તેમજ દસ્તાવેજોને લગતી કામગીરીમાં સરકારી કચેરીઓમાં વચેટિયાગીરીને નાથવાનો નવસારી જિલ્લા કલેકટરે પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં સરકારી કચેરીઓમાં વચેટીયા અને દલાલોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અરજદારો સીધા જ લાગતા વળગતા અધિકારીને મળી શકે અને સમસ્યાનું નિવારણ લાવી શકે તેના માટેની અપીલ પણ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લાઓમાં જમીનકાંડ મોટાપાયે થાય છે, અને જેના કારણે સરકારી કચેરીઓમાં પડ્યા પાથર્યા રહેતા જમીન દલાલો અને વધી રહેલી સંખ્યાને પગલે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સાથે સાથે જમીનને લગતી કામગીરીમાં સંકળાયેલા આઉટસોર્સિંગ કેટલાક કર્મચારીઓને પણ છુટા કરવામાં આવ્યા છે.
અધિક કલેકટર કેતન જોશી એ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં અરજદારોને અને લોભ લાલચ અને પ્રલોભન આપીને સરકારી કચેરીઓમાં કામ કરાવી આપીશું ના નામે પૈસા પડાવી લેવાના કિસ્સાઓ ધ્યાન ઉપર આવે તે પહેલા લોક જાગૃતિના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વચેટીયાને સરકારી કચેરીઓમાં આવવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે અરજદાર પોતાના કામ માટે કલેકટર શ્રીને સોમવાર અને ગુરુવાર દરમિયાન રૂબરૂ મળી શકશે. અને તેઓની અવેજીમાં નાયબ નિવાસી કલેકટરને પોતાના કામ માટે મળી શકે છે. અરજદાર સીધો સંપર્ક કરી શકે છે. જો તેઓનું કોઈ કામ અટકતું હોય તો સંબંધિત અધિકારી સીધો સંપર્ક કરે. વચેટીયા અને દલાલો નાબૂદ થાય તે માટે આ જાહેર નામું બહાર પાડવામાં આવ્યું છે.