ગાંધીનગર: નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું જે બાદ ખેલૈયાઓ અને આયોજકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
છૂટનો દુર ઉપયોગ ન કરવા વિનંતી કરાઈ: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદન બાદ ગરબા આયોજક કેતન પટેલે કહ્યું કે,' આ નિવેદન સાંભળી ખેલૈયાઓ અને ગરબા આયોજકોને ખુબ જ ખુશી થઈ છે. તેઓ મોટા પ્રમાણમાં તૈયારીઓ કરતા હોય છે. લોકોને નોકરી ધંધાથી મુક્ત થઈને પરિવારને પરવાડીને ગરબે રમવા જવુ પડે તો તેમને સમય ઓછો પડતો હતો. એમાં થોડો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તે ખુબ આવકાર દાયક છે અને દરેક લોકો આ નવરાત્રિને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ અને સરકારે આપેલી છૂટછાટનો સારી રીતે ઉપયોગ કરીને તેનો દૂર ઉપયોગ ન કરીએ અને નવરાત્રિને નવરાત્રિ તરીકે ઉજવવાનો આગ્રહ રાખીએ તેવું સૌ આયોજકો અને ખેલૈયાઓને વ્યક્તિગત રીતે અનુવાદન કરુ છું.'
હર્ષ સંઘવીના જણાવ્યું કે, 'નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રિના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મુકીને મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘુમી શકે તે માટે મોડી રાત સુધી ગરબા રમી શકે તેવું આયોજન કરાશે. ગુજરાત સરકાર દ્વારા નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો આ કામ કરીને તેમનુ ગુજરાન ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની ચિંતા કરતા હોય છે. આ વર્ષે પણ તમામ મધ્યમ વર્ગના વેપારી, નાના વેપારીઓ, દુકાનો વાળાનો ધંધો ચાલી શકે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'સાથે સાથે ખેલૈયાઓ અને આયોજકોને પણ ખાસ વિનંતી કરવામાં આવે છે કે મ્યુઝિક અને ડીજેના કારણે અન્ય નાગરિકો હેરાન ન થાય એ રીતે તેનો ઉપયોગ કરવામાં આવશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે.'
ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો ક્યાં રમશે?: નવરાત્રીમાં મોડી રાત સુધી ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા રમી શકશે. ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો ક્યાં રમશે? જોકે, હવે તો આખીય દુનિયામાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં તો નવરાત્રિની ઉજવણી ધૂમધામથી જ થાય ને. ગુજરાતીઓ તહેવારની ઉજવણી કરનારા લોકો છે. નવરાત્રિ ખુશીની ઉજવણીનો તહેવાર છે. લોકો એકબીજાને મળે છે, માતા અંબાની ભક્તિ કરે છે. આ ભક્તિ આ વર્ષે પણ એટલાં જ ઉત્સાહ અને આનંદ સાથે થશે.