કચ્છ: 2જી ઓકટોબરથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. લોકો નવરાત્રીમાં નવે નવ દિવસ જુદા જુદા પરિધાન પહેરવાનું પસંદ કરતા હોય છે જેમાં ખાસ કરીને ખેલૈયા યુવતીઓ ફેશનને ધ્યાનમાં રાખીને તૈયાર થતી હોય છે અને ગરબે રમવા જતી હોય છે.
આ દરમિયાન ખેલૈયાઓ પોતાના આઉટફિટ કસ્ટમાઈઝ કરાવવાનું પણ વધારે પસંદ કરતા હોય છે. ત્યારે ભુજમાં આવેલ ઇનાયત શોપ કે જે વર્ષ 1998થી લેસિસ એટલે કે વિવિધ એમ્બ્રોડરીવર્ક વાળા બોર્ડરનું બિઝનેસ કરે છે, આ એમ્બ્રોડરીવર્ક વાળા બોર્ડર નવરાત્રીના ભાતીગળ વસ્ત્રોમાં કસ્ટમાઈઝેશન માટે ખેલૈયાઓને ઉપયોગી બની રહ્યા છે.
નવરાત્રી સંબંધિત વિશિષ્ટ કલેક્શન: હવે નવરાત્રિના નવે નવ દિવસ દરમિયાન આકર્ષક વસ્ત્રો માટે રેડીમેડ કપડા કરતા હવે કસ્ટમાઈઝ કરેલા કપડાં પહેરવાનું વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોતાની મનપસંદ ચણિયાચોળી તૈયાર કરવા માટે વિવિધ કચ્છીવર્ક વાળા બોર્ડર દ્વારા ચણીયા ચોળી તૈયાર કરવામાં આવતી હોય છે. આવી અવનવી વેરાઈટીઓ માટે વર્ષ 1998થી ભુજના હાલાઈ પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઇનાયત દુકાનમાં નવરાત્રી સંબંધિત વિશિષ્ટ કલેક્શન જોવા મળી રહ્યું છે.
વિવિધ પ્રકારના નવરાત્રીના વસ્ત્રો માટે પેચવર્ક અને બોર્ડર: ઇનાયત બ્રાન્ડમાં કચ્છી એમ્બ્રોડરી વર્કવાળા લેસીસ કે જેમાં કચ્છી કળા મારફતે વિવિધ મશીનરી તેમજ હસ્ત કળા મારફતે બોર્ડર તૈયાર કરવામાં આવે છે. તો સાથે જ વિવિધ પેચવર્ક પણ આઉટફીટ કસ્ટમાઈઝ રીતે મળી રહે છે. જેના દ્વારા યુવતીઓ પોતાના માટે ટ્રેડિશનલ ચણીયા ચોળી, ડિઝાઇનર બ્લાઉઝ, નવરાત્રી માટે કુર્તી, ડેનિમ જેકેટ પર એમ્બ્રોડરી વર્ક વગેરે પર વિવિધ પેચવર્ક અને કસ્ટમાઈઝ બોર્ડર દ્વારા પોતાના વસ્ત્રો ડિઝાઈન કરી શકે છે. ઉપરાંત યુવક ખેલૈયાઓ પણ વિવિધ પેચવર્ક મારફતે પોતાના માટે કુર્તામાં કસ્ટમાઈઝેશન કરાવી શકે છે.
લોકો પોતાના વસ્ત્રો પોતે ડિઝાઇન કરતા થયા: વર્ષોથી કચ્છી લેસિસ, ચણીયા ચોળી માટેનું મટીરીયલ છે. જે ખેલૈયાઓ અહીંથી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને કોરોના કાળ બાદ એટલે કે વર્ષ 2021 પછી લોકો પોતાના માટે નવરાત્રીમાં પહેરવાના કપડાં રેડીમેડ લેવાને બદલે કસ્ટમાઈઝેશન તરફ વધારે વળી રહયા છે. પોતાની રીતે પોતાના વસ્ત્રોને ડિઝાઇન કરવા તેમજ ચણિયા ચોળીમાં વિવિધ પેચવર્ક અને એસિઝરીઝ ઉમેરવા તે બધું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે.
વિદેશમાં પણ કસ્ટમાઈઝેશનનો ક્રેઝ: સામાન્ય રીતે મોટા ભાગના લોકો કચ્છી વર્કની બોર્ડર પસંદ કરતા હોય છે. વિશ્વમાં પણ કચ્છી વર્કની લેસિસની માંગ લોકો કરતાં હોય છે. વિદેશમાં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વધારે વસે છે જેવા કે દુબઈ, નેધરલેન્ડ, કેનેડા, લંડન અને આફ્રિકા જેવા દેશોમાં પણ કસ્ટમાઈઝેશન માટે બોર્ડર અને પેચવર્કની ખૂબ માંગ રહેતી હોય છે. નવરાત્રીના સમયમાં દાંડિયા રમતા યુવક યુવતીઓમાં હાથીના પેચવર્ક અને બોર્ડરમાં પેચની માંગ વધારે હોય છે. ઉપરાંત મીરર વર્ક એમ્બ્રોડરી કે જે વધારે ચમકે છે તે પણ વધારે પસંદ કરવામાં આવતું હોય છે.
10 રૂપિયાથી 5000 રૂપિયા પ્રતિ મીટર સુધીની બોર્ડર: આ વર્ષે બંઝારા વર્ક છે તેમજ જૂના જમાનાનું વર્ક છે તે વધારે ચાલી રહ્યું છે. તો સાથે સાથે યુવકોમાં પેસ્ટલ રંગના પેચ અને આઉટફિટનો પણ ટ્રેન્ડ વધ્યો છે. જૂની જનરેશનને જૂના સમયની વસ્તુઓ પસંદ આવી રહ્યા હોવાનું વેપારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સામાન્ય રીતે યુવતીઓ 3000થી 4000 રૂપિયા સુધીમાં પોતાની ચણીયા ચોળી તૈયાર કરવામાં માનતી હોય છે. તે મુજબ જ પેચવર્ક અને બોર્ડર પસંદ કરતી હોય છે. અહીં મશીનરી વર્કની બોર્ડરના ભાવ 1 મીટરના 10 રૂપિયાથી 400 રૂપિયા સુધીની હોય છે તો હાથવણાટની બનેલી બોર્ડર 1 મીટરના 50 રૂપિયાથી 5000 રૂપિયા સુધીના ભવાની બોર્ડર મળી રહે છે.
આ પણ વાંચો: