જૂનાગઢ: 27 થી 31 તારીખ સુધી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાનો ફળફળાદી પાકને લગતો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર દેશમાંથી સંશોધનકારો અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. 4 દિવસ સુધી તમામ સંશોધનકારોએ ફળખેતીમાં ટેકનોલોજીની સાથે જે સુધારા અમલી કરવા જોઈએ તેનું અંતિમ નિષ્કર્ષ કાઢીને સમગ્ર સેમિનારનું નિષ્કર્ષ ભારત સરકારને મોકલી આપ્યું છે.
રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર થયો સંપન્ન: જૂનાગઢમાં 4 દિવસ ચાલેલા રાષ્ટ્રીય કક્ષાના ફળફળાદી પાકને લગતો સેમીનાર સંપન્ન થયો છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી કૃષિ નિષ્ણાંતોની સાથે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિઓ, ફળફળાદી પાકને લઈને સંશોધન કરતા સંશોધનકારો, વૈજ્ઞાનિકો અને અધ્યાપકો રાષ્ટ્રીય સેમીનારમાં જોડાયા હતા. એક છત નીચે દેશના અલગ અલગ પ્રાંતોમાં થતી ફળફળાદીની ખેતીને લઈને મુશ્કેલીઓની સાથે પ્રતિકૂળતા અને આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફળફળાદીની ખેતીને કઈ રીતે વધુ આવક રળતી બનાવી શકાય તે દિશામાં ખૂબ જ ગંભીરતાથી ચર્ચાઓ કરી હતી. 4 દિવસ સુધી વૈજ્ઞાનિકો અને સંશોધનકારો વચ્ચે ચાલેલા મનોમંથનનો એક નિષ્કર્ષક કાઢવામાં આવ્યો છે, જે ભારત સરકારના કૃષિ વિભાગને મોકલી આપવામાં આવ્યો છે.
બાગાયતી ખેતીમાં નવીન ટેકનોલોજીને સ્થાન: બાગાયતી ખેતીમાં મોડર્ન ટેકનોલોજીને સ્થાન આપવાને લઈને પણ સમગ્ર દેશમાંથી આવેલા વૈજ્ઞાનિકો અને કૃષિ સંશોધનકારોએ એક મત કેળવ્યો હતો. મોડર્ન ટેકનોલોજીમાં ફળફળાદી ખેતીને આગળ વધારવા માટે સેન્સર રિમોટ સેન્સિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ડ્રોનની સાથે જીઆઇ અને મશીન લર્નિંગ જેવી આધુનિક અને ડિજિટલ ટેકનોલોજી થકી પણ ફળફળાદી ખેતીને વધુ આવકવાળી કઈ રીતે કરી શકાય અને આગામી સમયમાં ફળફળાદી ખેતીના ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્વનો સાબિત થનારો છે. તેને લઈને પણ રાષ્ટ્રીય સેમીનારમાં ચિંતાઓ વ્યક્ત કરાઈ હતી.
આધુનિક ટેકનોલોજી અન્ય રીતે પણ ઉપયોગી: ફળફળાદી ખેતીમાં આધુનિક ટેકનોલોજી ખૂબ જ આશીર્વાદ સમાન બની શકે છે. જેમાં ક્લાયમેટ ચેન્જની સાથે વાતાવરણની પ્રતિકૂળતા વરસાદ, ઠંડી, ગરમી, ભેજ, પવનની વિપરીત અસરો સૌથી વધુ ફળફળાદી પાકો પર થતી હોય છે ત્યારે આધુનિક ટેકનોલોજી થકી આવા સમયે તેનું નિરાકરણ પણ સરળ બની શકે છે. આજે ભારતમાં અન્ય કૃષિ ઉત્પાદનો કરતા ફળફળાદી પાકોનું ઉત્પાદન સૌથી વધુ થઈ રહ્યું છે જેથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફળફળાદી ખેતીને કઈ રીતે આધુનિક સમયમાં ઢાળી શકાય તે માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
કોવિડ બાદ ફળફળાદી ખેતીનું વર્ચસ્વ વધ્યું: કોવિડ બાદ દેશમાં ફળફળાદી ખેતીનું પ્રમાણ ખૂબ જ વધી હોવાનું પણ સામે આવ્યું છે. આજના દિવસે અન્ય કૃષિ ઉત્પાદનો કરતા ફળફળાદી ક્ષેત્રનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ છે. ત્યારે આધુનિક ટેકનોલોજી થકી ફળફળાદી પાકોમાં પાણી કઈ રીતે આપવું કેટલું આપવું અને ક્યારે આપવું તેની સાથે ફળફળાદી પાકોમાં રોગ આવ્યો છે કે, કેમ અને રોગ આવી શકે કે કેમ તેની પૂર્વ અને આગોતરી જાણકારી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતને થઈ શકે છે. જેને કારણે કોઈ પણ રોગનું નિયંત્રણ ખૂબ જ ઓછા ખર્ચે અને ઓછા માનવ બળે શક્ય બની શકે છે. જેથી નુકસાની ઓછી થતા ખેડૂતોને ફળફળાદી પાકોમાં ઉત્પાદનની સાથે સારું હૂંડિયામણ પણ મળી શકવાની પ્રબળ શકયતાઓ ઊભી થઈ છે. જેનું મનોમંથન 4 દિવસના રાષ્ટ્રીય પરિસંવાદમાં કરાયું હતું.