પોરબંદર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો રંગ લાગ્યો છે. પોરબંદર લોકસભા સીટ મહત્વની ગણાય છે અને આ સીટ પર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ભાજપે લોકસભા સીટ પર મનસુખ માંડવીયા અને વિધાનસભા સીટ પર અર્જુન મોઢવાડિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. પોરબંદર વિધાનસભા સીટ પર અર્જુનભાઈને ટક્કર આપી શકે તેવા નાથાભાઈ ઓડેદરાએ હવે અપક્ષમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
નાથાભાઈ ઓડેદરા : પોરબંદરના નાથા ઓડેદરાએ આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પદથી રાજીનામું આપ્યું હતું. અગાઉ તેઓ પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં હતા ત્યારે તેઓએ અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ સોશિયલ મીડિયા ટિપ્પણી પણ કરી હતી, જેના કારણે કોંગ્રેસમાંથી પણ અલવિદા કર્યું હતું. તો ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાને લઇ સાઇડ લાઇન કર્યા હોય તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે.
આજે હું જાહેર કરું છું કે કોંગ્રેસમાં મેં પોરબંદર વિધાનસભાની ટિકિટ માંગી હતી, હવે એ નિર્ણય પરત ખેંચું છું. પોરબંદર લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડીશ. -- નાથા ઓડેદરા પ્રમુખ, મહેર એકતા સમિતિ
નાથાભાઈનું એલાન : નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, અમારી મહેર જ્ઞાતિના આગેવાનો સાથે અમે ચર્ચા કરી અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે એમને વિકાસ કરવાની તક દેવી જોઈએ. એની સામે હું ટક્કર આપી શકું તેમ છું. આથી સમાજ અને પોરબંદર વિસ્તારમાં નુકસાન થતું હોવાથી મેં કોંગ્રેસમાંથી મારી ઉમેદવારી પરત ખેંચી છે. અર્જુન મોઢવાડિયા ભલે વિકાસ કરે મને વાંધો નથી.
અર્જુન મોઢવાડિયાને સાથ ? વર્ષોથી આ વિસ્તારને અન્યાય થઈ રહ્યો છે. છેલ્લા 35 વર્ષથી લોકસભામાં સ્થાનિક ઉમેદવાર આવતો નથી. આથી જ્ઞાતિજનોના કહેવાથી હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ. આજે આ નિર્ણય જાહેર કરું છું કે મેં કોંગ્રેસમાંથી ટિકિટની માંગણી કરી હતી અને હવે તે પરત ખેંચું છું. અર્જુનભાઈ સામે આવું તો મારી ફાઈટ થાય અને પોરબંદરનો વિકાસ રૂંધાય, એવું હું ઇચ્છતો નથી. આથી પોરબંદરનો વિકાસ અર્જુનભાઈને કરવો હોય તો વિકાસને હું અવરોધરૂપ નહીં થાવ.
અપક્ષમાંથી ચૂંટણી લડીશ : ગઈકાલે પોરબંદર લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પોરબંદર આવ્યા હતા, ત્યારે તેમને મળ્યો હતો. પરંતુ માત્ર એક મિત્ર તરીકે મળ્યો હતો. આજે હું જાહેર કરું છું કે કોંગ્રેસમાં મેં પોરબંદર વિધાનસભાની ટિકિટ માંગી હતી, હવે એ નિર્ણય પરત ખેંચું છું. પોરબંદર લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડીશ.