નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝીયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકાએ પકડ્યા હતા. બાદમાં રાત્રી દરમિયાન દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું છે. એક યુવાન જયેશ તડવીનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આદિવાસી યુવકોની કથીત હત્યા : બીજો મૃતક યુવક આ કેસમાં ફરિયાદી હતો. ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હત્યાની રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘટનાને પગલે ધારાસભ્ય નાંદોદ ડો. દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી હતી. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું હતું.
ચોરીની શંકાએ માર માર્યો : નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝીયમમાં 6 ઓગસ્ટની રાત્રે કેવડિયા ગામના જયેશ શનાભાઈ તડવી અને ગભાણા ગામના સંજય ગજેન્દ્ર તડવી ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોને તેમને પકડી હાથ પગ બાંધી દઈ કેબિનમાં લઈ જઈ પૂછતાછ કરી માર માર્યો હતો.
6 આરોપી વિરુદ્ધ ફરિયાદ : આ ઘટનામાં જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં એને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજય ગજેન્દ્ર તડવીને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ગરુડેશ્વર પોલીસે આદીવાસી મ્યુઝીયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.
હોસ્પિટલ બન્યું રણમેદાન : પકડાયેલા તમામ આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આદિવાસી મ્યુઝિયમ પર બે આદિવાસી યુવાનોને માર મારવાની ઘટનામાં ગઈકાલે એક યુવાન મૃત્યુ પામ્યો, જ્યારે બીજા યુવકનું આજે સવારે મોત થયું. બીજા યુવાનનું મોત થતાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તેનો મૃતદેહ લાવવામાં આવ્યો.
રાજકારણ ગરમાયું : ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલમાં પી.એમ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તું-તું મે-મે અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આદિવાસી પરિવારને ન્યાય આપવા એજન્સીના મુખ્ય માલિકો અને મારનારનું નામ આપી મૃતદેહ નહીં સ્વીકારવા કહ્યું હતું. સાથે જ આવતીકાલે ગરુડેશ્વર અને કેવડિયા બંધનું એલાન પણ કર્યું હતું.