સુરત: સુરત જિલ્લાની મધસ્થ લાજપોર જેલમાં દુષ્કર્મના કેસમાં નારાયણ સાઈ છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે. ત્યારે આજરોજ તેને મેડિકલ ચેકઅપ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈની દાંતમાં દુખાવાની અવાર નવાર ફરિયાદો રહે છે. ત્યારે આજે દાંતની સારવાર કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. એક સમયે રાજાશાહી ઠાઠમાં જીવતો નારાયણ સાંઈ હાલ વિવિધ બીમારીનો ભોગ પણ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું.
એક સમયે લોકો જેને ભગવાન માનતા હતા એવા આશારામનો દિકરો નારાયણ સાંઈ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત જિલ્લાની મધ્યસ્થ લાજપોર જેલમાં બંધ છે. નારાયણ સાંઈ વિરૂદ્ધ દુષ્કર્મ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જે ગુનામાં તે હાલ સજા કાપી રહ્યો છે. નારાયણ સાંઈ અવાર નવાર દાંતમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતો હોય છે. ત્યારે વધી ગયેલી તેની ફરિયાદોને લઇને આજરોજ તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. તેને સુરત સિવિલમાં દાંતના વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેઓને હાથમાં હાથકડી પણ પહેરવામાં આવી ન હતી. નારાયણ સાંઈ હળવા મૂડમાં જોવા મળ્યો હતો. એક સમયે રાજાશાહી ઠાઠમાં જીવતો નારાયણ સાંઈ કમર, હાડકાના રોગ, દાંત, જડબાના રોગો થયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી હતી
આશારામના પુત્ર નારાયણ સાંઈ વિરૂદ્ધ સુરતની એક મહિલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે કેસનો 2019 માં ચુકાદો આવ્યો હતો. કોર્ટે આ કેસમાં નારાયણ સાંઈને આજીવન જેલની સજા ફટકારી છે, પોલીસે આરોપી નારાયણ સાઈ સામે IPCની કલમ 376(2)(C), 377, 354, 357, 342, 323, 504, 506(2), 1208, 212, 153 અને 114 મુજબ નોંધ્યો હતો.