સુરત : લોકસભાની ચૂંટણી આડે હવે જૂજ સપ્તાહ બાકી રહ્યા છે. ભાજપ મોવડી મંડળે બારડોલી સહિત ગુજરાતની 15 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જોકે કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં ગુજરાતની એક પણ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. બારડોલી બેઠક પર ભાજપમાંથી વર્તમાન સાંસદ પ્રભુ વસાવાનું નામ જાહેર થયું છે. જ્યારે કોંગ્રેસમાંથી બે યુવા ચહેરા અજય ગામીત અને સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારીની દોડમાં હોવાની ચર્ચા છે.
બારડોલી બેઠક પર ભાજપનો દબદબો : 2008 માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અને અનુસુચિત જનજાતિ માટે અનામત બારડોલી બેઠક પર શરૂઆતમાં 2009 ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડો. તુષાર ચૌધરીની જીત બાદ સતત બે ટર્મથી (2014 અને 2019) ભાજપના પ્રભુ વસાવા મોટી લીડથી જીતતા આવ્યા છે. પ્રભુ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. તુષાર ચૌધરીને 1,24,895 મતોથી માત આપી હતી. વર્ષ 2019 માં પણ પ્રભુ વસાવાએ 2,15,974 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા.
ભાજપનો 'નો રીસ્ક' મંત્ર : મતોની ટકાવારીમાં થયેલા વધારાને કારણે આ વખતે પાંચ લાખથી વધુ મતથી બારડોલી બેઠક જીતવાનો ભાજપનો ટાર્ગેટ છે. આથી ફરી વખત પ્રભુ વસાવાને ઉમેદવાર જાહેર કરી કોઈ પણ પ્રકારના પ્રયોગો કરવાનું ટાળ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તમામ સાત બેઠકોની મતોની ટકાવારી જોતાં ભાજપ માટે આ બેઠક સલામત થઈ ગઈ છે.
પ્રભુ વસાવાની ઉમેદવારીથી નારાજગી : જોકે બીજી તરફ પ્રભુ વસાવાની ઉમેદવારીથી ભાજપના જ અનેક નેતાઓ નારાજ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, તેમની બે ટર્મ દરમિયાન તેઓ માંડવીની બહાર નીકળી જ શક્યા નથી. તેમની કામ કરવાની પદ્ધતિને લઇને પણ લોકોમાં ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે. પ્રજાના કામ કરવામાં તેઓ નિષ્ફળ ગયા હોવાનું લોકોનું માનવું છે. જોકે તેમની પુનઃ પસંદગી ભાજપને કેટલી ફળે છે તે જોવું રહ્યું.
મજબૂત દાવેદાર અજય ગામીત : બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ બે યુવા ચહેરા ચર્ચામાં છે. જેમાં સાત ટર્મ તત્કાલીન માંડવી બેઠક પરથી સાંસદ રહી ચૂકેલા છીતુભાઈ ગામીતના પુત્ર અજય ગામીતનું નામ આગળ છે. તેમણે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરીકે હાલ કાર્યરત છે. તેમણે સહકારી ક્ષેત્રમાં પણ કાઠું કાઢ્યું છે અને હાલ વાલોડ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમના પિતાના પગલે તેઓને ટિકિટ મળવાની સંભાવના દેખાઈ રહી છે.
માજી સાંસદના પુત્ર પણ રેસમાં : અન્ય ઉમેદવાર તરીકે સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે. તેઓ પણ તાપી જિલ્લામાંથી આવે છે. સિદ્ધાર્થ ચૌધરી માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. તેઓ તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે પણ હાલ કાર્યરત છે. તેમના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી વ્યારા બેઠક પરથી તત્કાલીન મુખ્યપ્રધાન અમરસિંહ બી. ચૌધરીને હરાવ્યા હતા. બંને નેતાઓ આદિવાસી સમાજમાં સારી પકડ ધરાવે છે.