ખેડાઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામે દોઢ વર્ષ અગાઉ પોતાના સાળાની હત્યા કરનાર આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. મૃતક સાળો આરોપીની સાથે જ તેના ઘરે રહેતો હતો. આરોપીની પત્નીએ તેના સાળાના કપડા ધોવા બાબતે તકરાર કરી આરોપીએ સાળાને માર મારી ગળુ દબાવી તેનું મોત નિપજાવ્યું હતું. ઘટના મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કપડાં ધોવા બાબતે તકરાર કરી મોત નિપજાવ્યું
આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી તા.19/3/2023 ના રોજ રાસ્કા ગામે પોતાના ઘરે તે, તેના પત્નિ અને સાળો ત્રણ જણા રહેતા હતા. બનાવના દિવસે એની પત્ની સુનિતાએ મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે. સુનિતાબેને વિજયભાઈના કપડા ધોયા હતા. એ કપડાં ધોવાની બાબતમાં બંને જણ વચ્ચે તકરાર થઈ હતી. એટલે સુનિતાબેને તેમને સમજાવ્યા કે તમે કેમ આવું કરે છો. તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરાઈ જઈને વિજયભાઈને ફેંટ પકડીને ગડદાપાટુનો માર મારીને જ્યાં સુધી મરી ન જાય ત્યાં સુધી એનું ગળુ દબાવીને એનું મોત નિપજાવ્યું હતું. જે બાબતની ફરિયાદ મહેમદાવાદ પોલિસ સ્ટેશનમાં આપતા મહેમદાવાદ પોલિસે ઈપીકો કલમ 323,504 તથા 302 મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.
દસ વર્ષની સખત કેદની સજા કરવાનો કોર્ટે હુકમ કર્યો: સરકારી વકીલ
સરકારી વકીલ પી.આર.તિવારીએ જણાવ્યું હતું કે, આજરોજ નામદાર કોર્ટ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ અંજારીયાની કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે આશરે 14 જેટલા સાહેદોને તપાસેલા અને આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને કેમકે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન્હતો પરંતુ આવેશમાં આવીને બનાવ બનેલી હોય જેથી નામદાર કોર્ટે આરોપીને 302 ખૂનના ગુનામાં તકસીરવાન ઠરાવાની જગ્યાએ ઈપીકો કલમ 304 પાર્ટ ટુ માં તકસીરવાર ઠરાવ્યો છે. દસ વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કર્યો છે.