સાબરકાંઠા: જિલ્લામાં દિન પ્રતિદિન લૂંટ, ખંડણી અને ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં સ્વામિનારાયણ નામ લખેલી એક લાખ ટોપી બનાવવાના ઓર્ડર માટે બોલાવી છ આરોપીઓએ એકરૂપ થઈ મુંબઈથી આવેલા ટોપી બનાવનારા વેપારી બાપ-દીકરાને માર મારી પાંચ કરોડની ખંડણી માગવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેપારીના ભાઈ તેમજ મિત્રની જાગૃતતાને પગલે આરોપીઓએ બાપ-દીકરાને માર મારી ફરાર થઈ ચૂક્યા છે. જો કે પોલીસે આ મામલે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.
ટોપીના કોન્ટ્રાક્ટના બહાને મુંબઈના વેપારીને બોલાવ્યા: સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર-48 ઉપર હિંમતનગર નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે ખાનગી કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી છ જેટલા આરોપીઓએ પાંચ કરોડની ખંડણી માગી બે વેપારીઓને માર માર્યા હોવાનો ખુલ્યું છે. જેમાં મુંબઈથી આવેલા વેપારીને રાજેન્દ્ર સંઘવી નામના આરોપીએ ભાડે દુકાન રાખી તેમાં એક લાખ જેટલી સ્વામિનારાયણ સંપ્રદાયની ટોપીઓ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાનું જણાવી બાપ દીકરાને બોલાવ્યા હતા. જ્યાં તેમની અન્ય પાંચ વ્યક્તિઓએ ભેગા થઈ પાંચ કરોડની ખંડણી માગી હતી.
મિત્રની સમજદારીથી વેપારી પિતા-પુત્રને મૂકીને ભાગ્યા આરોપી: જોકે મુંબઈથી આવેલા વેપારીઓએ જીવિત રહેવા માટે 50 લાખ આપવાની વાત કરી હતી. જેના પગલે મુંબઈના વેપારીએ તેમના ભાઈ તેમજ મિત્રને 50 લાખની રકમ મોકલી આપવા જણાવ્યું હતું. જોકે તેમના મિત્રએ 50 લાખની રકમ જેટલો માલ ન હોવાનું જણાવવાની સાથે સાથે ઘટના સ્થળનો લોકેશન તેમજ વિડીયો કોલ કરવાનું જણાવતા આરોપીઓને પકડાઈ જવાનો ભય લાગ્યો હતો. જોકે આરોપીઓએ આ મામલે મુંબઈથી આવેલા બંને વ્યાપારીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ચૂક્યા હતા. જેના પગલે હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા: આ સાથે મુંબઈથી આવેલા વેપારી પિતા-પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે હિંમતનગરમાં પાંચ કરોડની ખંડણીની વાતને પગલે સમગ્ર શહેરમાં હડકંપ સર્જાયો છે. હાલમાં આરોપી રાજેન્દ્ર સંઘવીએ અહીંયા કોની દુકાન ભાડે રાખી? તેમજ આ મામલે કેટલા લોકો શામેલ છે તે દિશામાં આરોપીને પકડવા બાબતે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: