વલસાડ : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. એમાં પણ ખાસ કરીને આહવા ડાંગ વિસ્તારમાં પ્રકૃતિનો શણગાર જોવા લાયક હોય છે. અહીં આવેલા ગીરા ધોધ સહિતના કેટલાક ક્ષેત્રોમાં પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હિલ સ્ટેશન સાપુતારા ખાતે પણ ચોમાસા દરમિયાન વાદળોની વચ્ચે રહેવાની મજા કંઈક અનેરી હોય છે.
ધવલ પટેલે શેર કર્યો સુંદર વિડીયો : હિલ સ્ટેશન સાપુતારામાં વધુમાં વધુ લોકો ચોમાસા દરમિયાન આવે અને હિલ સ્ટેશનનો વિકાસ થાય તે હેતુ સાથે વલસાડ ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે પોતાના એક્સ હેન્ડલર પર આહવા ડાંગની પ્રકૃતિનો એક વિડીયો અપલોડ કર્યો છે. સાથે જ અહીં પર્યટન ક્ષેત્રે વિકાસ થાય અને લોકોને રોજગાર મળે તેવા હેતુ સાથે લોકોને અહીં આવવા માટે નિમંત્રણ આપ્યું છે.
ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય : ચોમાસા દરમિયાન જ્યારે સાપુતારાના તમામ ઝરણા વહેતા થાય છે, ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. શનિવાર-રવિવારની રજા હોય કે સામાન્ય દિવસો, ચોમાસા દરમિયાન નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ અને મહારાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાંથી પર્યટકોનું ઘોડાપુર સાપુતારા ખાતે ઉમટી પડે છે. ઉપરાંત ડાંગના અનેક વિસ્તારો એવા છે જેને પર્યટકો જોઈ શકે છે.
પર્યટકોને આપ્યું આમંત્રણ : આ પ્રાકૃતિક સૌંદર્ય અને આદિવાસી ક્ષેત્રની ભોજન પ્રથાને લોકો જાણે માણે અને એનો લાભ લે તે માટે સાંસદ ધવલ પટેલે એક સુંદર વિડીયો સાથે પોસ્ટ કરી હતી. જેમાં અહીંના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંકી બતાવી છે. ડાંગમાં પર્યટન ક્ષેત્રે વધુ વિકાસ થાય તેવા હેતુથી ધવલ પટેલે પોસ્ટ મૂકી લોકોને આવકાર આપ્યો છે.