ખેડા:ખેડા જીલ્લાના માતર તાલુકાના રતનપુર ગામે ઝાડા ઉલ્ટીનો રોગચાળો ફેલાતા તંત્ર દોડતું થયું છે. મોટી સંખ્યામાં કેસોને પગલે જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી ગામમાં દોડી ગયા હતા. 200 ઉપરાંત કેસ નોંધાયા છે. જેમાં એક મહિલાનું શંકાસ્પદ મોત થયું છે. ગામમાં દૂષિત પાણી પીવાને કારણે એક પછી એક કેસ નોંધાવા પામ્યા છે. મોટી સંખ્યામાં કેસોને પગલે ખેડા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ઉપરાંત ગામની પ્રાથમિક શાળામાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના દર્દીઓને રજા આપવામાં આવી છે.
હાલ ત્રીસેક જેટલા દર્દીઓ ખેડા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ રતનપુર ખાતે સારવાર મેળવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવા આરોગ્ય વિભાગની 11 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 40 આરોગ્ય કર્મચારીઓનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. ગામમાં ક્લોરિનેશન કરવા સાથે પાણી ઉકાળીને પીવા માટે લોકોને જણાવાઈ રહ્યું છે.
હાલ ત્રીસેક જેટલા દર્દી સારવાર હેઠળ: આ બાબતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ. ધ્રુવે જણાવ્યુ હતું કે શનિવારથી ઝાડા ઉલટીના કેસો બાબતે અમને માહિતી મળી હતી. જેમાં ખેડા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલની અંદર અમુક પાંચ સાત કેસ દાખલ થયા હતા. આ કેસ રતનપુર ગામના હોવાના કારણે અમે અહીંયા સર્વે અને સારવારની વ્યવસ્થા કરી હતી. તે બાદ રોગચાળો પાણીજન્ય છે એવું જાણવા મળતા ઘેર ઘેર ક્લોરિનેશન અને ઉકાળીને પાણી પીવાની માહિતી પહોંચાડી હતી. કેસમાં થોડો વધારો થતાં અમે લોકોને ખેડા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ગંભીર પ્રકારના કેસોને સારવાર આપવાનું શરૂ કર્યું હતું. સાથે સાથે અહીં પ્રાથમિક શાળામાં કોઈને માઈલેડ ડિહાઈડ્રિશન હોય અને ડ્રિપ ચઢાવવાની જરૂર પડે તેવા કેસોની સારવાર અહીં શરૂ કરી હતી.
ઓપીડી બેઝ પર જેટલા કેસ અહીંયા ટ્રીટ કરી શકાતા હતા એ અમે રતનપુર સ્થાનિક કરતા હતા. એની સાથે સાથે સર્વેની કામગીરીમાં અમારી 11 ટીમો કામ કરી રહી છે અને 40 જેટલો સ્ટાફ ડિપ્લોય કરવામાં આવ્યો છે. સતત કામગીરી દરમિયાન અમને લગભગ 200 જેટલા કેસ જોવા મળેલ છે. જેમાંથી અમુક કેસ સારવાર લઈને જતા રહ્યા છે. હાલ અહીં ચાર થી પાંચ કેસ દાખલ છે. રતનપુરમાં અને ખેડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અંદર લગભગ 27-28 કેસ દાખલ છે. સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાંથી માહિતી મળી છે. જેમાં ડાયાબિટીસ હાઈપર ટેન્શન સાથે ડાયેરીયા હતો તે મહિલાનું મૃત્યુ થયું છે તેમની ઉંમર 60 વર્ષ જેટલી હતી.