ભૂજ: કચ્છની દરિયાઇ સીમામાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. 18મી જૂનની મોડી રાત્રિએ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 2 જુદા જુદા નિર્જન બેટ પરથી BSFના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન 23 જેટલા માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા, જ્યારે 19 જૂનની સવારે BSFના જવાનોને જખૌ કોસ્ટ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સના 19 પેકેટ મળી આવ્યા હતા.
દેશની યુવા પેઢીને બરબાદ કરવા માટે નાપાક હરકતો થઈ રહી છે, પરંતુ દેશની અંદર ઘુસાડાતા માદક પદાર્થોનો જથ્થો કચ્છ અને ગુજરાતની દરિયાઈ સીમામાંથી સમયાંતરે ઝડપાતો રહ્યો છે. ડ્રગ્સને આંતરરાષ્ટ્રીય જળમાર્ગેથી ભારતમાં પહોંચાડીને વિદેશ મોકલવાની મોડસ ઓપરેન્ડી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. જુદા જુદા વિસ્તારમાંથી 10-10 ની પેકિંગમાં મળતા છૂટક પેકેટોએ અનેક સવાલો ઉભા કર્યા છે.
ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી: ચોક્કસ પ્રકારની મોડસ ઓપરેન્ડી: સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ પકડાઇ જવાની બીકે ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં આવી રીતે ફેંકી દેવામાં આવે છે અને તે દરિયાના મોજામાં તણાઈને આવી રીતે જુદા જુદા વિસ્તારમાં પહોંચી રહ્યો છે. આ એક પ્રકારની મોડસ ઓપરેન્ડી ચાલતી હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉંડાણપૂર્વકની તપાસમાં સ્થાનિક સ્તરે કોણ સંકળાયેલું છે તેમજ કોણ આ ડ્રગ્સ મોકલી રહ્યું છે તેની તપાસ પણ જરૂરી બની છે.
છેલ્લાં 11 દિવસોમાં મળી આવેલ માદક પદાર્થનો જથ્થો
તારીખ | ક્યાંથી કેટલાં મળ્યા પેકેટ |
8 જૂન | રોડાસરમાંથી 2 પેકેટ |
9 જૂન | કડુલીમાંથી 10 પેકેટ |
11 જૂન | સિંધોડીમાંથી 9 પેકેટ |
14 જૂન | ધોળુંપીરમાંથી 10 પેકેટ, રોડાસરમાંથી 10 પેકેટ |
15 જૂન | લુણાબેટ પરથી 10 પેકેટ |
16 જૂન | ખીદરત ટાપુ પરથી 10 પેકેટ,કોટેશ્વર દરિયામાંથી 1 પેકેટ |
17 જૂન | પિંગ્લેશ્વર દરિયામાંથી 10 પેકેટ, ખીદરત ટાપુ પરથી 10 પેકેટ,બાંભડાઈ દરિયામાંથી 40 પેકેટ,કુંડી બેટમાંથી 19 પેકેટ |
18 જૂન | જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 23 પેકેટ |
19 જૂન | શેખરણપીરના દરિયામાંથી 21 પેકેટ, પિંગલેશ્વર દરિયામાંથી 10 પેકેટ, પિંગલેશ્વર નાયરો નદી વચ્ચેથી 8 પેકેટ, જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 19 પેકેટ |