મોરબી: જિલ્લામાં જુગારની મોસમ બારેમાસ જોવા મળતી હોય છે, છાશવારે પોલીસ ટીમો દરોડા કરી જુગારીઓને ઝડપી લેતી હોય છે, ત્યારે ટંકારા નજીક આવેલા હોટેલ કમ્ફર્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો કરી જુગાર રમતા નવ ઇસમોને ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી ૨ ફોર્ચ્યુંનર કાર, ૧૨ લાખની રોકડ તેમજ ૮ મોબાઈલ સહીત ૬૩.૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું: ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી-ટંકારા હાઇવે પર આવેલી કમ્ફર્ટ હોટલમાં અલગ-અલગ નામથી રૂમ ભાડે રાખી અમુક ઈસમો હોટલ બહાર સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી જીજે ૦૩ કેસી ૧૪૦૦ માં રાખી અલગ અલગ કલર અને તેના પર અલગ અલગ આંકડા લખેલ તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી ટીમે રેડ કરી હતી જ્યાં હોટેલના પાર્કિંગમાં ગાડી મળી આવતા તેમાં રહેલ બે ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેના કબજાની ફોર્ચ્યુનર કારમાંથી રોકડ મળી આવી હતી. બાદમાં હોટેલના રૂમ નં ૧૦૫માં રેડ કરી હતી જ્યાં પ્લાસ્ટિક કોઈન વડે જુગાર રમાતો હતો.
૯ જુગારીઓ ઝડપાયા: પોલીસે જુગાર રમતા રાજકોટના ગોપાલ રણછોડભાઈ સભાડ, ગાંધીગ્રામના ચિરાગ રસિક ધામેચા, ખરેડી કાલાવડના રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મનસુખભાઈ પટેલ, એવન્યુ પાર્ક મોરબી, વિલ રાજીભાઈ પટેલ, રાજકોટ શહેર, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ રાજકોટ, શૈલેષ ગંગદાસ ઠુમ્મર, મોરબીના નિતેષ નારણભાઈ ઝાલરીયા એમ નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
કાર, મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કરાયો
પોલીસે સ્થળ પરથી રોકડ ૧૨ લાખ રૂપિયાની ફોર્ચ્યુનર કાર સહિત ૬૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે, આરોપી રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા રહે ચિત્રકૂટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી વાળાનું નામ ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે. ટંકારા નજીક હોટેલમાંથી જુગારધામ ઝડપાયું છે, ત્યારે આવા ગોરખધંધા કેટલા સમયથી ચાલતા હતા તે મોટો સવાલ છે. ટંકારામાં જ SMC ટીમે ડુપ્લીકેટ ઓઈલ વેચાણનું કોભાંડ ઝડપ્યું હતું ત્યારે ટંકારામાં કેટલા ગોરખધંધા ચાલે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.