મોરબી: મોરબી ઝૂલતો પુલ કેસમાં વિકટીમ એસો દ્વારા કોર્ટમાં ત્રણ અરજી કરવામાં આવી હતી, જે ત્રણેય અરજી મોરબી કોર્ટે નામંજૂર કરી છે. જેથી હવે કોઈ નવી અરજી ના થાય તો ચાર્જ ફ્રેમ માટેનો માર્ગ મોકળો થયો હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું . 3૦૨ ની કલમનો ઉમેરો કરવો, ઓરેવા ગ્રુપને આરોપી બનાવવા અને કંપનીએ રજુ કરેલ ડોક્યુમેન્ટ ફ્રોડ તે ત્રણેય અરજી નામંજૂર થઈ છે.
કુલ 10 સામે કાર્યવાહી
ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહીત કુલ ૧૦ આરોપીને ઝડપી લીધા હતા. હાઈ પ્રોફાઈલ આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ જાન્યુઆરી ૨૦૨૩માં સામેથી હાજર થયા બાદ તેમની ધરપકડ કરાઈ હતી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ માર્ચ ૨૦૨૪માં જામીનમુક્ત થયા.
વિકટીમ એસોસિએશન મોરબીની અરજી ફગાવાઈ
બીજી તરફ દુર્ઘટનાના પીડિત પરિવારોએ વિકટીમ એસોસિએશન મોરબીની રચના કરી, આ એસોસિએશનના નેજા હેઠળ કોર્ટમાં ત્રણ અરજી પીડિત પરિવારોએ વકીલ મારફત દાખલ કરી હતી. જેમાં ઘટનામાં ૩૦૨ની કલમનો ઉમેરો કરવો, ઓરેવા ગ્રુપને આરોપી બનાવવા અને કંપનીએ જે ડોક્યુમેન્ટ રજુ કર્યા છે, તે ફ્રોડ છે તેવી ત્રણ અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. આ ત્રણેય અરજીની સુનાવણી કરતા મોરબી કોર્ટે ત્રણેય અરજીઓ નામંજૂર કરી છે.
ચાર્જશીટનો માર્ગ મોકળો
આ મામલે જીલ્લા સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું કે, વિકટીમ એસોસિએશન દ્વારા ૩૦૨ની કલમ ઉમેરવા, ઓરેવા કંપનીને આરોપી બનાવવા અને કંપનીએ રજુ કરેલ ડોક્યુમેન્ટ ફ્રોડ છે, તે ત્રણેય અરજીઓ કોર્ટે નામંજૂર કરી છે. જેથી હવે વિકટીમ પરિવાર કોઈ નવી અરજી ના કરે તો ચાર્જ ફ્રેમ માટેનો માર્ગ મોકળો થયો છે, આ મામલે આગામી સુનાવણી 1 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.