જૂનાગઢ: વૈશાખ મહિનો ચાલી રહ્યો છે આ મહિનાને ગરમીના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે 30 દિવસ સુધી તમામ ધાર્મિક સ્થાનોમાં કે જે સનાતન ધર્મની પરંપરા સાથે જોડાયેલા છે, તેમાં દેવી-દેવતાઓને ગરમીથી રક્ષણ મળે તે માટે ખાસ ચંદનનો લેપ અને વાઘાનો શણગાર કરવામાં આવે છે.
ચંદનના વાઘાનો શણગાર: વૈશાખ મહિનાને પ્રખર ગરમીના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે આ ૩૦ દિવસ દરમિયાન સૌ કોઈ ગરમીથી રાહત મળે તે માટેના પ્રયાસો કરતા હોય છે. પ્રાચીન સમયમાં ગરમીથી મુક્તિ મેળવવા માટે વિજણા ત્યારબાદ પંખા અને આધુનિક સમયમાં વાતોનુકુલિત મશીનો વાતાવરણને ઠંડુ કરવામાં સહાયતા કરે છે, પરંતુ વૈશાખ મહિનામાં દેવી-દેવતાઓને પણ ગરમીથી રક્ષણ થાય તે માટે ખાસ ચંદનનો લેપ અને વાઘાનો શણગાર કરવામાં આવે છે સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયાં મુજબ જેવું દેહ માટે આપણે કરીએ છીએ તે જ પ્રકારની વ્યવસ્થા દેવ માટે પણ કરવી જોઈએ. તેને લઈને તમામ મંદિરોમાં ચંદનનો લેપ અને વાઘાનો શણગાર કરાયો છે, જેના દર્શન કરીને હરિભક્તો ભાવવિભોર પણ બને છે.
વૈષ્ણવ સંપ્રદાયની ખાસ પરંપરા: વૈશાખ મહિનામાં દેવી-દેવતાઓને ચંદનનો લેપ અને તેના દ્વારા બનેલા વાઘાની વિશેષ પરંપરા પ્રસ્થાપિત કરવામાં આવી છે. આજે પણ આ પરંપરાને વૈષ્ણવ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તમામ હિન્દુ મંદિરોમાં આ જ પ્રકારે ચંદનનો લેપ દેવી-દેવતાઓને કરાય છે. તેનાથી દેવી દેવતાઓને ઠંડક મળે અને એક મહિના સુધી જે ચંદનથી દેવતાઓને લેપ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, તે પ્રત્યેક ભક્તોને પ્રસાદ રૂપે પણ અર્પણ કરવામાં આવે છે. જે કોઈપણ ભક્ત વર્ષ દરમિયાન તેના કપાળ પર તિલક કરીને ઈશ્વરના પ્રસાદ રૂપે લગાવે છે. ઉપરાંત મળેલા ચંદનથી દેહને શીતળતા આપવામાં પણ ઉપયોગી બને છે.
શિક્ષાપત્રીમાં પણ ઉલ્લેખ: સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ તરીકે ભગવાન સ્વામિનારાયણ સ્વયંમ લખેલી શિક્ષાપત્રીમાં પણ વૈશાખ મહિનામાં દેવી-દેવતાઓને વૈષ્ણવી પરંપરા અનુસાર ચંદનનો લેપ કરવો જોઈએ, જેથી દેવતાઓને ગરમીના આ પ્રખર સમયમાં શીતળતા પ્રાપ્ત થઈ શકે. આ પ્રકારનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણ સ્વયં શિક્ષાપત્રીમાં લખ્યો છે. ભગવાન સ્વામિનારાયણ માને છે કે, વલભાચાર્ય દ્વારા ચંદન વિધિ અને વાઘાની જે પરંપરા દર્શાવી છે તે સર્વોત્તમ છે. તે મુજબ વૈશાખ મહિનામાં કોઈપણ વ્યક્તિએ દેવી-દેવતાઓને ચંદનનો લેપ અને વાઘાનો શણગાર કરવો જોઈએ.