પોરબંદર: ગુજરાતમાં ભારતે વરસાદને પરિણામે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થાય છે. પુષ્કળ પ્રમાણમાં વરસાદ થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે ઉપરાંત પૂરની સ્થિતિ પણ સર્જાઇ છે. એમાંય પોરબંદરના ફોદારા ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી તરસાઈ ગામે ફરી વળ્યું હતું. આવા વિકટ સમયમાં ગામના રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા તરસાઈ ગામના નીચાણવાળા, વાડી વિસ્તારમાં રહેતા અને બાજુના વાંસજાળીયા ગામના વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો મળીને કુલ 74 લોકોનું તાલુકા પોલીસ તંત્ર દ્વારા જીવના જોખમે સુરક્ષિત સ્થળ પર તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે હેલિકોપ્ટર દ્વારા આ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક શાળામાં આશ્રય: જામજોધપુર તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હાલમાં તમામ અસરગ્રસ્ત લોકોને તરસાઈ કન્યા પ્રાથમિક શાળામાં સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ ગામના સરપંચ પ્રિયંકાબેન તથા તેમના પતિ રાકેશભાઈ ભાણજીભાઈ ખાણધર દ્વારા તમામ આશ્રિતો માટે ભોજન, નાસ્તા, કપડાં વગેરે સામાનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે, તેમજ તાલુકા પોલીસ તંત્ર તરફથી અસરગ્રસ્તોને ફૂડ પેકેટ, પાણીની બોટલો, દવાઓ પણ આપવામાં આવી છે.
તમામ જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા: આ સમગ્ર તાત્કાલિક આયોજન માટે તરસાઈ ગામના સરપંચ, તમામ ગ્રામજનો, તલાટી મંત્રી નેહલબેન વારોતરિયા, તાલુકા પંચાયતના કર્મચારી કિશન કરમુર, જામજોધપુર તાલુકાના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.જે. વાઘેલા તથા તેમના પોલીસ સ્ટાફએ સ્થળ પર રૂબરૂ હાજર રહીને ખૂબ જ મહત્વની કામગીરી કરેલી છે.