ડાંગ: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદીય જંગલ વિસ્તારમાં વાંગણ ગામે આવેલ આંકડા ધોધને નિહાળવા, ફોટોગ્રાફ લેવા તેમજ સહેલાણીઓ કૂદરતી સોંદર્યને માણવા માટે આવ્યા હતા. તે સમય દરમિયાન અચાનક ભારે વરસાદના કારણે અને કાવેરી નદીના કોતરના પાણીનો પ્રવાહ તેજ થઈ ગયો હતો અને આ પ્રવાહએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વરસાદી પાણીના આ વિશાળકાયી સ્વરૂપના લીધે ધોધ વિસ્તારમાં 100 જેટલા ફોરવીલર 120 બાઈક સાથે નાના બાળકોને લઈ 70 થી 75 વર્ષના સિનિયર સિટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે 1200 જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.
રેસ્ક્યુ કામગીરી સતત ચાર કલાક ચાલી: વાંસદા પોલીસને બનાવ અંગેની માહીતી મળતા વાંસદા પોલીસ તાત્કાલિક વાંસદા તાલુકાના વાંગણ ગામે આંકડા ધોધ પાસે પોંહચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાંસદા પોલીસે ધોધમાર વરસતા વરસાદ વચ્ચે જીવના જોખમે રેસ્ક્યુ કરી પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ રેસ્ક્યુ કામગીરી સતત ચાર કલાક ચાલી હતી.