વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે મોટા ભાગના જળાશયો અને ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. અને પૂરની સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે વડોદરામાં જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસથ થઈ ગયું છે. જો કે હાલ વરસાદી પાણી ઉતરતા લોકોને હાશકારો થઈ રહ્યો છે, પરંતુ અહીં વરસાદી પાણી ઉતરતા પાણીમાં લોકોના મૃતદેહો મળી આવવાની ઘટના સામે આવી રહી છે.
કુલ 5 મૃતદેહો મળી આવ્યા: વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે ગત રાત્રેથી પાણી ઓસરવાનું શરૂ થયું છે, પરંતુ વરસાદી પાણીમાં મૃતદેહો મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે વડોદરાના જુદા જુદા વિસ્તારમાંથી કુલ 5 મૃતદેહો મળી આવ્યા છે.
કયા કયા વિસ્તારથી મળ્યા મૃતદેહ: હાલ ફાયર બ્રિગેડ દ્વારા આ મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે. કારેલીબાગ બહુચરાજી મંદિરની ઢાળ, ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ, ખિસકોલી સર્કલ ટ્રાન્સપેક કંપની પાસે, જેતલપુર બ્રિજ પાસે અને કારેલીબાગ સ્મશાન પાસેના વિસ્તારમાં પાણીમાં મૃતદેહો તણાઈને આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જોકે વડોદરામાં આવેલ વિશ્વામિત્રી નદીના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં હજુ સુધી પાણી ઓસર્યાની સ્થિતિ જણાઈ આવી રહી નથી.
રેસ્ક્યૂ કામગીરી માટે આર્મીની કોલમો તૈનાત: વડોદરામાં વરસાદની સ્થિતિ ખૂબ ગંભીર બનતા તેમજ વિશ્વામિત્રી નદીનું પાણી સતત વધવાના કારણે સરકાર દ્વારા રેસ્ક્યૂ કામગીરી માટે વધુ આર્મીની કોલમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. ઉપરાંત આ મુદ્દે રાજ્યના ગૃહ મંત્રી વડોદરાની મુલાકાતે પણ આવ્યા હતા, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરાની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરી હતી.