દમણ:17મી ઓગસ્ટ શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસકના સલાહકાર અમિત સિંગલા, કોસ્ટગાર્ડ દમણના ડેપ્યુટી કમાન્ડન્ટ એસ. એન. બાજપેઈ, પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા દમણના દેવકા બીચ ખાતે “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક પરેડ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રાજ્યના કલાકારોએ સાંસ્કૃતિક પરેડ યોજી હતી. જે નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી: મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાના હસ્તે આતશબાજીની શરૂઆત કરાવી આકાશમાં રંગબેરંગી રોશનીનો ઝગમગાટ પાથર્યો હતો. તેમજ સાંસ્કૃતિક નૃત્ય પરેડને લીલી ઝંડી બતાવ્યા બાદ દરેક કલાકારોએ રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
3 કિલોમીટર લાંબી પરેડ: મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત DNHDD પ્રશાસન અને પ્રવાસન વિભાગ દ્વારા સાપ્તાહિક વિવિધ કાર્યક્રમો થકી મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંગે ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ડિરેકટર શિવમ દેવતીયાએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં પ્રવાસનને વેગ મળે તેવા ઉદેશથી આ મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દમણના દેવકા બીચ ખાતે બીચને રોશનીથી શણગારી કલચરલ પ્રોગ્રામ આયોજિત કર્યો છે. જેમાં વિવિધ રાજ્યના અને સંઘપ્રદેશના લોક કલાકારો, સામાજિક સંસ્થાઓ, વિવિધ સમાજના લોકોએ ઉપસ્થિત રહી તેમની પોતાની સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરી છે. 3 કિલોમીટર લાંબી પરેડમાં ભાગ લેવા 400 કલાકારો ઉપસ્થિત રહ્યા છે. આ સાંસ્કૃતિક પરેડે વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા છે.
દૂર દૂરથી પ્રવાસીઓ જોડાયા: દમણ ખાતે પ્રવાસ દરમ્યાન સંસ્કૃતિક પરેડનો લ્હાવો લઈ પ્રવાસીઓ પણ તેમાં ઉમળકાભેર જોડાયા હતાં. ઇન્દોરથી આવેલા સંજય શાહ અને દમણને કર્મભૂમિ બનાવનાર અન્ય સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બીચ પર કલચરલ પ્રોગ્રામ જોઈ અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. વિવિધ રાજ્યના કલાકારોએ પ્રસ્તુત કરેલા નૃત્યોની ઝલક જોવા મળી, ભાતીગળ સંસ્કૃતિના દર્શન કર્યા છે. તો આતશબાજી અને સુંદર લાઇટિંગનું ડેકોરેશન ખૂબ જ ગમ્યું છે.
ગોવા પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે: દમણના આ કાર્યક્રમને માણવાની ઈચ્છા હતી એટલે દેવકા નમોપથ પર પરિવાર સાથે આવ્યા છે. ખૂબ જ સરસ કાર્યક્રમ હતો. 15 વર્ષ પહેલા જે દમણ હતું. તેની સરખામણીએ આજે ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. જે રીતે ગોવા પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. તેવી જ રીતે દમણ પણ પ્રવાસન ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી રહ્યું છે.
અલગ અલગ કાર્યક્રમનું આયોજન: આ સાંસ્કૃતિક પરેડનું આયોજન નમો પથ, દેવકા સી ફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વિવિધ સમાજના કલાકારો, વેસ્ટર્ન કલ્ચરલ આર્ટસ સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના કલાકારો દ્વારા આદિવાસી ડાન્સ, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઈવ મ્યુઝિક બેન્ડ, સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતિ મોહનનો લાઈવ કોન્સર્ટ: મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત આ સાંસ્કૃતિક પરેડને નિહાળવા દમણ અને આસપાસના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પરેડમાં કેરળ, ઓરિસ્સા, દમણ, દાદરા અને નગર હવેલી, મણિપુર સહિતના રાજ્યોના કલાકારોએ ભાગ લીધો હતો. મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત 16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2024 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાન્સ, વિવિધ સ્પર્ધાઓ, ડીજે શો, અને 24મી ઓગસ્ટના બોલીવુડ સિંગર નીતિ મોહનના લાઇવ કોન્સર્ટનું પણ આયોજન છે. આ સાપ્તાહિક મોનસુન ફેસ્ટિવલમાં હેન્ડીક્રાફ્ટ બજાર, ફૂડ સ્ટોલ, કિડ્સ ઝોન જેવા સ્ટોલ આયોજન કરી પ્રવાસીઓ સ્થાનિક લોકોને આકર્ષવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
દર વર્ષે યોજાય છે આ મોનસૂન ફેસ્ટિવલ: ઉલ્લેખનીય છે કે, માત્ર દેશમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટે, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન વિભાગ દર વર્ષે ચોમાસા દરમિયાન "મોનસૂન ફેસ્ટિવલ"નું આયોજન કરે છે. જેમાં અલગ અલગ પ્રદેશના અનેક કલાકારોએ પોતાના નૃત્યનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ડાન્સ કલ્ચરલ કાર્યક્રમનાં કલાકારોએ મીની ઇન્ડિયાના દર્શન કરાવ્યા હતાં. મોનસુન ફેસ્ટિવલની નૃત્ય પરેડ જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ આ ઇવેન્ટને મન ભરીને માણી હતી. અને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી.