અમદાવાદઃ શુક્રવારે માઈક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ છે. ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ પર ચેક-ઈન અને ટિકિટ બુકિંગમાં સમસ્યા છે, જેના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા કેન્સલ થઈ છે. એરલાઈન્સ કંપનીઓના સર્વર ઠપ થઈ જતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે પરેશાન થયા છે. એરલાઈન્સ કંપનીનાં કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી રહી છે.
ટેકનિકલ ફોલ્ટઃ ભારતમાં 4 એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે, તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે પેસેન્જર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાયરસ એટેકની સંભાવનાઃ હૈદરાબાદ અને બેંગલુરુની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રીસ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે.
અહીં આવ્યા પછી ખબર પડી કે સર્વર બંધ છે. જેના પરિણામે એરલાઈન્સ કાઉન્ટર પર કતારો જોવા મળી રહી છે. મારા કુટુંબમાં સ્વજનનું મૃત્યુ થતા મારે લખનઉ જવું છે પણ અહીં વાર લાગે તેમ છે...રાજકુમાર(પ્રવાસી, અમદાવાદ એરપોર્ટ)
મારે દિલ્હી જવાનું છે. હું ઘરેથી ફ્લાઈટ અંગે કન્ફર્મેશન મેળવવા ટ્રાય કરતો હતો પણ કંઈ અપડેટ મળી રહી ન હતી. અહીં આવ્યા પછી ખબર પડી કે સર્વર ઠપ છે...(વિનુભાઈ, પ્રવાસી)