વાપીઃ તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે છે 56 જે વાપીથી શામળાજીને જોડતો હાઇવે છે. આ હાઇવે તાપી જિલ્લાના 28 ગામોમાંથી પસાર થનાર છે. જેમાં 1100 થી વધુ ખેડૂતોની જમીન આ હાઇવેમાં સંપાદન થઈ રહી છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદનની તમામ પ્રક્રિયા વર્ષ 2022માં પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ જે લોકો આ હાઇવેમાં પોતાની જમીન ગુમાવી રહ્યા છે. તે તમામ લોકોને સરકાર દ્વારા આજ દિન સુધી એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. અગાઉ પણ ખેડૂતો દ્વારા વારંવાર આની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ નહીં આવતા આજે ફરી ખેડૂતોએ તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેમને વહેલામાં વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વાપીથી શામળાજી જોડતા નેશનલ હાઈવે નંબર 56 ની જમીન માપણીની કામગીરી 2022 માં પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ જે ખેડૂતોની જમીન સંપાદન થઈ રહી છે. તે ખેડૂતોને કોઈ પણ ભાવ નક્કી કરવામાં આવ્યો નથી, સાથે સુરત નવસારીમાં જે વળતર આપવામાં આવ્યું છે. તેટલું જ વળતર તેમની જમીનનું પણ આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
નેશનલ હાઈવે નંબર 56 માં જમીન ગુમાવનાર દર્શિત ભક્તાએ જણાવ્યું હતું કે, નવા નેશનલ હાઇવેમાં મારી પણ જમીન જાય છે. 2022 થી અલોકોએ નકલ પર એન્ટ્રી પાડી દીધી છે. તે માટે અમે કલેકટર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદન પાત્ર આપવા માટે અમે આવ્યા છે અને નકલ પર એન્ટ્રી પડી ગઈ છે તો વહેલી તકે વળતર જાહેર કરવામાં આવે 28 ગામોમાંથી 1100 જેટલા ખેડૂતો છે. જેમાં અમારી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો છે. અમને વળતર સુરત નવસારીમાં જે ભાવ ચૂકયા છે તે ભાવ અમને પણ અહીં મળવો જોઈએ.