મહેસાણા : મહેસાણામાં થોડા દિવસ અગાઉ અંડરપાસ પાસે થયેલા અકસ્માતનો મામલો હવે ચર્ચાસ્પદ બની રહ્યો છે. ગત તારીખ 17 માર્ચના રોજ દિશાગ જૈન નામના 23 વર્ષીય એન્જીનીયર યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા મૃતક દિશાગ સામે બેફામ બાઈક ચલાવી એક્ટિવાને અથડાવી અકસ્માત સર્જવાની ફરિયાદ નોંધી હતી. જોકે પીએમ રિપોર્ટ બાદ મૃતકના પરિવારે ક્રેટા ગાડીએ અકસ્માત સર્જ્યો હોવાના પુરાવાના આધારે ક્રેટા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે.
શું હતો બનાવ : મહેસાણા અંડરપાસમાં થોડા દિવસ અગાઉ થયેલા અકસ્માતનો મામલો હવે વિવાદ પકડી રહ્યો છે. ગત તારીખ 17 માર્ચના રોજ દિશાગ જૈન નામના 23 વર્ષીય એન્જીનીયર યુવકનું મહેસાણાના અંડરપાસ પાસે અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા મૃતક દિશાગ સામે બેફામ બાઈક ચલાવી એક્ટિવાને અથડાવી અકસ્માત સર્જવાની ફરિયાદ પણ નોંધાવી હતી.
મૃતકના પરિવારે કરી ઈનામની જાહેરાત : મૃતક યુવકના પીએમ રિપોર્ટમાં 21 જેટલી ઈજાને કારણે મોત થવાનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટ બાદ મૃતક યુવકના પરિવારે સોશિયલ મીડિયામાં આ અકસ્માતના ફોટા-વીડિયો આપવા લોકોને જાહેર અપીલ જાહેર કરી ઇનામ આપવાની જાહેરાત કરી હતી. અપીલને પગલે ક્રેટા ગાડીએ અકસ્માત સર્જ્યો હોવાના પુરાવા મૃતકના પરિવારજનોને મળી ગયા હતા.
મૃતકના પરિજનોની માંગ : મૃતકના પરિજનોના જણાવ્યા મુજબ પોલીસે ક્રેટા ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધવાને બદલે FIR માં ગાડીનો ઉલ્લેખ જ નથી કર્યો. આ મામલે મૃતક યુવકના પરિવારજનોએ જિલ્લા કલેકટર અને SP ને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. જાણવા મળેલ માહિતી મુજબ મહેસાણા રાધનપુર ચાર રસ્તા વિસ્તારમાં મોટી ફર્મ ચલાવતા વ્યક્તિના સગીર દીકરાએ અકસ્માત સર્જ્યો હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે.