અમદાવાદઃ છેલ્લા ત્રણ દિવસથી અવિરત પડતા વરસાદે સમગ્ર ગુજરાતમાં તબાહી સર્જી છે. પહેલા ઓછો વરસાદ તો ક્યાંક વધુ વરસાદે રાજ્યમાં ચિંતા જન્માવી હતી. પણ છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમે સમગ્ર રાજ્યમાં તબાહી સર્જી છે. શું છે ત્રણ દિવસના વરસાદથી રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની હાલની સ્થિતિ, જાણીએ..
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સર્જાઈ તબાહી, રાજ્યમાં 243 તાલુકામાં અતિ વરસાદ
ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા 80થી વધુ કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 243 તાલુકાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ત્રણ તાલુકામાં 12 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તો અન્ય ત્રણ તાલુકામાં 10 ઇંચ વરસાદ વરસવાથી મુશ્કેલી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે 22 સ્ટેટ હાઈ-વે સહિત 608 રસ્તચાઓ પર અવરજવરનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાત માટે 28 થી 30 તારીખ સાવચેતીની રહેશે
છેલ્લા બે દિવસથી પડતા ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, દિયોદર, સુઈગામ, લાખણી, ભીલડી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દિયોદર ખાતે ઊભા પાકમાં વરસાદે ફાયદો કરાવ્યો છે. તો પાલનપુર શહેરના પોલિટેકનીક રોજ પાણી ભરાતા મુશ્કેલી સર્જી છે. પાટણ જિલ્લામાં વરસાદે ઉભા પાકને ફાયદો કરાવ્યો છે. ચાણસ્મા તાલુકાનું રણાસર ગામનું તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફળ્યા છે. હાલની વરસાદી સ્થિતિને ધ્યાનમાં લેતા બનાસકાંઠા જિલ્લા કલકેટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જળાશયો પર સામાન્ય વ્યક્તિના પ્રવેશ અને ભયજનક સ્થળોએ જોખમી સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુક્યો છે. સાથે પાણી ભરેલા સ્થળોએ કપડા ધોવા અને માછલી પકડવા પર પ્રતિબંધ મુક્યો છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ડેમમાં હાલની સ્થિતિએ જળ સપાટી 622 ફૂટે છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકામાં વધુ વરસાદ નોંધાયો છે. પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ચાર - ચાર ઇંચ વરસાદ, હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જેનાથી સાબરમતી સહિતની નદીઓમાં નવા નીર આવ્યાં છે.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના માછિમારો 30 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડે, જામનગરમાં હાલ જળ બંબાકાર
વરસાદે સોરાષ્ટ્રના મેદાની વિસ્તારની સાથે દરિયા કિનારે આપદા સર્જી છે. સોમવાર રાત્રે અવિરત પડેલા વરસાદે જામનગરને ઘમરોળ્યું હતુ. અનેક વાહનો હાલ પાણીમાં ગરકાવ થયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે ભારે વરસાદ છે. જેના કારણે જામનગરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લી માહિતી પ્રમાણે કુલ 1,500 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જિલ્લાના રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમના પાણી જિલ્લામાં ફરી રહ્યાં છે. મોરબી જિલ્લામાં મચ્છુ - બેમાં પણ પાણીની આવક વધી છે. સાત વર્ષ બાદ મચ્છુમાં પાણીની આવક આટલી જોવા મળી છે. જૂનાગઢ શહેરમાં વરસી રહેલા વરસાદથી જોશીપરા પાસેના અંડરબ્રીજ બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરિયાકિનારે વસતા માછિમારોને તા. 27, ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા માટે સુચના આપી છે. વધુ વરસાદના કારણે સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રા ખાતે યોજાતો લોકમેળો બંધ રખાયા છે. રાજકોટ શહેર જિલ્લામાં પણ વરસાદનો કહેર છે. રામનાથ પરા અને લલુડી કોહડી વિસ્તારમાં શહેર કમિશ્નરે ખુદ જવું પડ્યું છે. આ વિસ્તારોથી 100થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. રાજકોટ શહેરના પોશ વિસ્તાર સમા સિલ્વર ગોલ્ડ રેસિડન્સીમાં પણ સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રાજકોટ શહેરના રેલનગર, પોપટપરા, રધુનંદન સોસાયટીમાં રસ્તે પાણી ભરાતા રસ્તો બંધ કરવો પડ્યો હતો. શહેરના બંને અંડરબ્રિજ બંધ કરવા પડ્યા છે.