કચ્છઃ કચ્છમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. આગાહી મુજબ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા મધ્યમ સિંચાઈના 20 પૈકીના 11 ડેમ છલકાઈ ચુકયા છે. તો નાની સિંચાઇના 170 ડેમો પૈકી 79 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જિલ્લામાં પાપડીમાં પૂરપાટ વહેતાં પાણીમાં વાહનો હંકારતા વિવિધ બનાવો બન્યા હતા જેથી કરીને 3 લોકોના મોત પણ થયા છે.તો ભુજમાં લોકોના ઘરમાં પાણી ઘુસતા હાલાકી ભોગવવાનો સમય આવ્યો.
કચ્છમાં વરસાદી તારાજી
ભારેથી અતિભારે વરસાદની આગાહી મુજબ કચ્છમાં રવિવારથી શરૂ થયેલ મેઘરાજાની સવારી આજ સુધી અવિરત રહેવા સાથે છેલ્લા બે દિવસમાં જિલ્લામાં 3 થી 16 ઇંચ વરસાદ વિવિધ તાલુકામાં વરસ્યો હતો.તો કચ્છના લખપત, નખત્રાણા, અબડાસામાં પડેલા સારા વરસાદને કારણે ખાસ કરીને અબડાસામા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. અબડાસામાં ગઇકાલથી પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમા પાણી વહી નિકળ્યા હતા તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

અબડાસા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા
અબડાસા તાલુકાના ડુમરા માર્ગ, ખીરસરા વિંઝાણ, આસપાસ ભારે વરસાદ બાદ ગામમાં પાણી ધુસ્યા હતા રસ્તો બંધ થયો હતો.તો બીજી બાજુ અબડાસા તાલુકાનુ મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યુ હતુ તો હાજાપરથી મિયાણી જવા માટે માત્ર એકજ રસ્તો હોવાથી પાપડી ટુટી પડતા મિયાણી ગામ સંપર્ક વિહોણું બન્યુ હતુ.અબડાસા તાલુકાના તેરા-નેત્રા વચ્ચે રસ્તો બંધ થતા લાખણીયા સહીત ગામોમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો જેને કારણે દૂધ સહિતની આવશ્યક વસ્તુઓ પહોંચાડવા માટે મુશ્કેલી સર્જાઇ હતી. આ રસ્તો બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમા લાખણીયા, કુવા પધ્ધર, ઉસ્તીયા, નાગિયા, બાંડિયા, નેત્રાનો સમાવેશ થયા છે. અબડાસા તાલુકાના બારા ગામ આ વરસાદની ઋતુમા ત્રીજી વખત સંપર્ક વિહોણા બન્યું હતુ તો મોથાળા નજીકના મુખ્ય રસ્તે નદી બે કાંઠે આવતા અવરજવર પર અસર થઇ હતી.

11 જેટલા ડેમ ઓવરફ્લો થયા
સિંચાઇ વિભાગમાંથી મળતી માહિતી જિલ્લાભરમાં અત્યાર સુધીમાં મધ્યમ સિંચાઇના 11 ડેમ ઓવરફલો થયા છે તેમાં નિરોણા, ભુખી, કંકાવટી, જંગડિયા, બેરાચિયા, ગજણસર, કારાઘોઘા, ડોણ, મીઠી, ગજોડ અને કાયલાનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ નખત્રાણા તાલુકાનો મહત્વના મથલ ડેમમાં પણ 99 ટકા જેટલી જળરાશિનો સંગ્રહ થતાં નખત્રાણા તાલુકાનો આ મહત્વનો ડેમ પણ ઓવરફલો થવાની તૈયારીમાં છે.
થાર જીપ તણાતા યુવાનનો મૃતદેહ 38 કલાક બાદ મળ્યો
ભારે વરસાદના કારણે માંડવી અને નખતરના તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે ફરાદી-રામાણિયા વચ્ચે ડેમની પાપડીમાં પૂરપાટ વહેતાં પાણીમાં થાર જીપ તણાતાં જીપમાં સવાર બે જણ પૈકી ભુજના અજિતસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા ઝાડની ડાળીને પકડી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાન આગેવાન અને કચ્છ જિલ્લા ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડના પુત્ર ભૂપેન્દ્રસિંહ જીપ સાથે તણાઇ ગયા હતા જેની જીપ મળી આવી હતી પરંતુ ભૂપેન્દ્રસિંહની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ સહિત વહીવટી તંત્ર ગઇકાલ રાતથી અત્યાર સુધી અવિરત દોડધામમાં હતું પરંતુ આજે સવારે આખરે 38 કલાક બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવક કાર સાથે તણાયો
તો બીજી બાજુ ભુજના ચંદ્રુઆ ડુંગર વિસ્તારમાં કાર તણાઈ હતું તો કૉઝવે (પાપડી) પસાર કરતી વખતે વહેતા પાણીમાં કાર તણાઈ હતી જેમાં કારમાં સવાર એક યુવકનું મોત થયું હતું તો અન્ય ત્રણ યુવાન કાર માંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો તો કાર સાથે લાપતા થયેલ યુવાનની લાશ કારમાં ફસાયેલી મળી આવી હતી. પધ્ધર પોલીસ અને સ્થાનિક લોકોએ લાશને બાર કાઢી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
સાંસદની અપીલ
તો બીજી બાજુ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ કચ્છની જનતાને સાવચેત રહેવા તેમજ જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળવા અનુરોધ કર્યો છે તો સાથે જ ગામડાના સરપંચોને પણ સાથ સહકાર આપી લોકોને સમજાવા તેમજ ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે સાવધાની રાખવા માટે અપીલ કરી છે.
લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા
ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક આયશુંબેન સુમરાએ પણ જણાવ્યું હતું કે વરસાદના પગલે આશાપુરા નગર, અમન નગર ચોકડી, બકાલી કોલોનીમાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોના જનજીવનને અસર પહોંચી રહી છે તો સાથે જ બાળકોને અભ્યાસ માટે તો મહિલાઓને રસોઈ માટે હેરાનગતિ થઈ રહી છે ઘરમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી ભોગવવાનો સમય આવ્યો છે ભુજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી વાત કરી હતી.