સુરત: રવિવારે સાંજે સુરતમા તોફાની મિજાજ સાથે મેઘરાજા ત્રાટક્યા હતાં અને માત્ર અઢી કલાકમાં સમગ્ર શહેરને જળબંબાકાર બનાવી દીધું ગતું. રવિવારે રજાનો દિવસ હોય અને વરસાદ વરસે તો વાતાવરણની મોજ માણવાની ખેવના સુરતવાસીઓ રાખી હતી. જોકે, વરસાદ વરસવાનું શરૂ થયું ત્યારબાદ અઢી કલાક સુધી ભારે પવન સાથે વરસેલા વરસાદે શહેરીજનોને વિમાસણમાં મુકી દીધા હતા. સાંજે પવન ફૂંકાવાનું શરૂ થયા બાદ એકાએક વરસાદ તૂટી પડયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાની શરૂઆત થઇ હતી. વેડરોડ, કતારગામ, ડભોલી, વરાછા ગરનાળાનો વિસ્તાર, પરવત પાટિયા જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તો શરૂઆતના અડધો કલાકમાં જ પાણી ભરાઇ ગયા હતા. ત્યારબાદ ધીરે ધીરે અન્ય વિસ્તારો જળમગ્ન થઈ ગયાં હતાં.
વેસુ વીઆઈપી રોડ પર નદી વહી રહી હોય એવા દૃશ્યો સાથે જ વહેણમાં મોપેડ, બાઈક તણાતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. જ્યારે વેસુ વીઆઈપી રોડ પર જ એક કાર અડધી ડૂબી ગઈ હોય એવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતાં. આ સિવાય શહેરના ભટાર રોડ પર એક બાજુનો રસ્તો બંધ થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પુણા વિસ્તારમાં ભયાનગરમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. વરિયાવી બજાર પાસે પાણી ભરાઈ જતાં કતારગામ દરવાજાથી મુગલીસરાનો રસ્તો બંધ કરી દેવાયો હતો. ડભોલી, વેડરોડમાં પણ પાણી ભરાયા બાદ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. પાણી ભરાયા બાદ અનેક માર્ગો આપમેળે બંધ થઈ જતાં ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
રવિવારે સાંજે ૬ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ લોકો માટે હાલાકી અને સમસ્યામાં પરિણમ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજના ચેમ્બર પાસે કચરો ભરાવાના કારણે પાણીના નિકાલમાં સમસ્યા સર્જાય હતી. આ સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં રાતે ૧૧ વાગ્યા સુધી પાણી ઉતર્યા ન હોવાની સ્થિતિ જોવા મળી હતી. બીજી બાજુએ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોવાના કિસ્સા પણ નોંધાયા હતા. આ સિવાય અડાજણ ગામમાં મોટું બેનર ધડાકાભેર નીચે પડી ગયું હતું જેના કારણે નીચે ઉભેલી બાઈકને નુકસાન થયું હતું પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.