સુરત: માંગરોળના મોટા બોરસરા પાસે બનેલા ગેંગરેપ કેસમાં પોલીસે 60 થી વધુ સાક્ષીઓના નિવેદનો, ભોગ બનનાર અને તેના સાથી યુવકની જુબાની, કબજે કરવામાં આવેલા મોબાઇલમાંથી ઓડિયો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા સહિત અંદાજિત 3000 પાનાની ચાર્જશીટ માત્ર 15 દિવસમાં જ તૈયાર કરીને સુરતની કોર્ટમાં રજૂ કરી દીધી છે. હવે આગામી દિવસોમાં આરોપીઓ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસની ટ્રાયલ ચલાવવામાં આવશે.
સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના: આ કેસની ફરિયાદ અને તપાસની વિગત મુજબ તા. 7મી ઓક્ટોબરની રાત્રિના 11 વાગ્યાના અરસામાં માંગરોળના મોટા બોરસરા ગામે શેરડીના ખેતરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. ત્રણ આરોપી મુન્ના કરબલી પાસવાન, શિવશંકર લક્ષ્મણ ચોરસીયા તેમજ સજીવન ઉર્ફે રાજુ સબત વિશ્વકર્માએ ભેગા થઈને યુવતીને પીંખી નાંખી હતી. પોલીસે આરોપીના રિમાન્ડ લઈને જેલમાં મોકલી આપ્યા હતા.
પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા: પોલીસે મુખ્ય આરોપી નામે સજીવન પાસેથી 2 સિમકાર્ડ ઉપરાંત ખેતરમાં ફેંકી દીધેલા યુગલના મોબાઈલ ફોન પણ કબજે લીધા હતા. સાથે સાથે સજીવનનો પણ મોબાઈલ કબજે લઈને તેમાંથી વિવિધ પુરાવા એકત્ર કરાયા હતા. આ ટોળકીએ ગુનો આચર્યા બાદ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જે મોબાઈલ ફોન કબજે કર્યા અને તેમાંથી ડેટા રિકવર કર્યો તેમાંથી પોલીસને એક મહત્ત્વનો પુરાવો મળી આવ્યો હતો. મુખ્ય આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ બાઇકના માલિકને ફોન કરીને ગેંગરેપ કર્યો હોવાનું કબૂલેે છે અને એ પણ કહ્યું કે, પોલીસ તેને પકડશે તો તે પોલીસને ગુમરાહ કરશે.
ચાર્જશીટમાં 60થી વધુ સાક્ષીઓ રજૂ કરાયા: 14 થી 15 મિનિટના આ ઓડિયોમાં રાજુએ પોતે જ ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસે આ ઓડિયો ક્લિપને પણ પુરાવા તરીકે રજૂ કર્યો હતો. પોલીસે 15 દિવસમાં મહત્ત્વની તમામ તપાસો કરી હતી અને અલગ અલગ પુરાવાઓ એકત્ર કરીને સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વિનોદ વી. પરમાર સમક્ષ અંદાજિત 3000 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલાએ માહિતી આપતાં કહ્યું હતું કે, આ ચાર્જશીટમાં 60થી વધુ સાક્ષીઓ રજૂ કરાયા છે. ઉપરાંત આરોપીઓએ કરેલા ગુનાહિત ઈતિહાસનો પણ ચિતાર રજૂ કરાયો છે.
ભોગ બનનારી સગીરા હતી: ભોગ બનનાર સગીરા હતી અને આરોપીઓએ એક સ્ત્રીની મર્યાદા ઓળંગી હતી, તેમજ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે અંગે પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય કલમનો પણ ઉમેરો કર્યો છે. કોર્ટે આ મુદ્દે આવતીકાલ એટલે કે તા. 25મી ઓક્ટોબરની મુદત આપતા આવતીકાલે આ કેસમાં સેશન્સ કેસ નંબર પડયા બાદ ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરાશે. અને ત્યારબાદ નવા વર્ષમાં આરોપીઓ સામે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસની ટ્રાયલ ચલાવાશે.
આ પણ વાંચો: