વલસાડ: વલસાડ જિલ્લાના ચણવાઈ ખાતે આવેલા ખેતી વાડી ફાર્મમાં કેરીની સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 ખેડૂતો વડે કેરીની 150થી વધુ જાતો પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક કક્ષાએ થતી કેરીની વિવિધ જાતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મેંગો ફાર્મ પરિયા ખાતેથી વિકસિત કરાયેલી સોનપરી નામની કેરીએ આકર્ષણ જણાવ્યું હતું.
બેગિંગ પદ્ધતિ દ્વારા કેરીના ફળનો બચાવ: આંબાવાડી ધરાવતા ખેડૂતોને સંપૂર્ણપણે ખ્યાલ હશે જ કે વાતાવરણની સીધી અસર કેરીના પાકને થાય છે. જેમાં દર વર્ષે વધી રહેલી ગરમીના કારણે ઉત્પાદન બાદ કેરીના ફળ ઉપર ડાઘા પડી જતા હોય છે, અથવા તો કીટકો અને માખીઓનો ઉપદ્રવને કારણે કેરીના ફળમાં કાણા પડી જતા હોય છે. આવા ઉપદ્રવથી બચાવવા માટે ટેકનોલોજી સાથે બેગિંગ પદ્ધતિ દ્વારા કેરીના ફળને બચાવી શકાય છે. આ પદ્ધતિ દ્વારા ઉત્પાદિત થયેલી કેરી પણ પ્રદર્શનમાં અને સ્પર્ધામાં મૂકવામાં આવી હતી, જેમાં બોર્ડ ઉપર કોઈપણ પ્રકારના ડાઘા કે કોઈ પણ પ્રકારના કાણાઓ પણ જોવા મળ્યા ન હતા. એટલે કે કેરીનું ફળ સ્પષ્ટપણે ચોખ્ખું જોવા મળ્યું હતું.
સોનપરી કેરીએ આકર્ષણ જમાવ્યું: નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પરિયા ખાતે આવેલા ફાર્મમાં દક્ષિણની જાણીતી કેરી બનેશાન અને હાફૂસ કેરીને ક્રોસ કરી સોનપરી નામની કેરીની જાત નિર્માણ કરવામાં આવી છે. જે દેખાવે કેસર કેરી જેવી અને મીઠાશમાં હાફૂસ જેવી છે. વાતવરણની અસર પણ તેના ઉપર ખૂબ નજીવી થાય છે, જેથી હાલ તેની માર્કેટમાં માંગ વધી છે.
નામ ન સાંભળ્યા હોય એવી જાતો પ્રદર્શનમાં મુકાઈ: વલસાડના ચણવાઈ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો ખાતે તારીખ 11 થી 12 એમ બે દિવસ સવારે 9 થી 5 સુધી આંબાપાક પરિ સંવાદ કેરી પ્રદર્શન અને હરીફાઈ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામ પણ ન સાંભળ્યો હોય એવા પ્રકારની અનેક દુર્લભ કેરીઓ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. જેને જોવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. પ્રદર્શનમાં મૂકવામાં આવેલી કેરીઓમાં સોનપરી, વનરાજ, ટોમી એન્ડકિસન, કેન્ટ, લીલી, રત્ના, માયા અને મલ્લિકા જેવી અનેક જાતો પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. સાથે જ સ્થાનિક કક્ષાના ખેડૂતો દ્વારા બેગિંગ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવેલી કેરીઓ પણ પ્રદર્શનમાં મુકાઈ હતી.
હાફૂસમાં સ્પોનજીટ ટીસ્યુ નામનો રોગ: આં આંબાવાડીઓમાં હાફૂસ એ ખૂબ સેનસીટિવ જાત છે. તે સંવેદનશીલ હોવાના કારણે એને સીધી વાતાવરણની અસર થતી હોય છે. ખાસ કરીને ઉત્પાદન બાદ પણ હાફૂસની કેરીઓમાં જો કટીંગ કરવામાં આવે તો તેની ગોટલીની આસપાસના ભાગમાં રેડ કલરના રેસા અથવા તો સફેદ કલરના સ્પોર્ટ જોવા મળે છે. જેને સ્પોનજીટ ટીસ્યુ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વધારો જોવા મળ્યો છે, જેથી કેરીઓ બગડી રહી છે જેને પહોંચી વળવા માટે ખેડૂતો પાસે તે ખૂબ કાળજી માંગી લે છે.
આમ વલસાડના ચણવાઈ ખાતે સેન્ટર ઓફ એક્સિલન્સ પર ફ્લોરિ કલ્ચર એન્ડ મેંગોમાં આંબા પાક પરિસંવાદ કેરી પ્રદર્શન અને હરીફાઈ 2024નું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં અનેક ખેડૂતોએ ભાગ લઈ પોતાની ખેતીલક્ષી માહિતીમાં વધારો કર્યો છે અને પોતાની કોઠા સૂઝ અને અનુભવને આધારે અન્ય ખેડૂતોને પણ વિગતો પૂરી પાડી છે.