જુનાગઢ : કોંગ્રેસમાંથી ચૂંટણી જીતેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં કેસરિયા કર્યા હતાં. ત્યારે આજે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ પૂર્વ ધારાસભ્યોને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જેમાં માણાવદર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી જીતીને આવ્યા બાદ ધારાસભ્ય પદ પરથી થોડા દિવસ પૂર્વે રાજીનામું આપનાર અરવિદ લાડાણીને ભાજપે માણાવદર વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે ઉમેદવાર જાહેર કર્યા : અરવિંદ લાડાણી ભાજપના ઉમેદવાર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કેસરિયા કર્યા બાદ આજે રાજીનામાં વખતે તેમના દ્વારા જે શરતો રાખવામાં આવી હશે. તે મુજબ ભાજપે અરવિંદ લાડાણીને માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.
લાડાણીનું હૃદય પરિવર્તન : વર્ષ 2023ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે અરવિંદ લાડાણીને માણાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી હતી જેમા તેઓ દિગ્ગજ નેતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં શામેલ થયેલા અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા જવાહર ચાવડાને અરવિંદ લાડાણીએ પરાજય આપીને સમગ્ર સૌરાષ્ટ્ર જાઈન્ટ કિલર તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે અરવિંદ લાડાણી વિસ્તારના એક સામાન્ય વ્યક્તિથી લઈને ધારાસભ્ય પદ સુધી લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ 14 મહિનાના સમયગાળા દરમિયાન અરવિંદ લાડાણીનું પણ હૃદય પરિવર્તન થયું અને તેઓએ થોડા દિવસ પૂર્વે કેસરિયા કર્યા હતાં જેને આજે વિધાનસભા માણાવદરમાં ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.
2019માં પણ હતી પેટા ચૂંટણી : વર્ષ 2019 ની લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે માણાવદરમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જીતેલા જવાહર ચાવડાએ રાજીનામું ધરી દીધુ હતું. ત્યારબાદ લોકસભાની સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીને ચૂંટણી લડાવવામાં આવી હતી. જેમાં તેઓએ ખૂબ મોટી ટક્કર આપીને જવાહર ચાવડાને પાતળી સરસાઈથી જીતવા માટે મજબૂર કર્યા હતા 2019ના આ દ્રશ્યો ફરી 2024 માં સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને હવે અરવિંદ લાડાણી ભાજપની ટિકિટ પર માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે.
માણાવદરનો જંગ રહેશે રસપ્ર દ : માણાવદર વિધાનસભાની ચૂંટણીનો જંગ રસપ્રદ રહેશે તેવું અનુમાન અરવિંદ લાગણીએ રાજીનામું આપ્યા બાદ જોવા મળે છે. એક સમયે માણાવદર બેઠક પરથી ચૂંટણી લડેલા જવાહર ચાવડા અને હાલ ભાજપમાં જોડાયેલા અરવિંદ લાડાણી બંને એકબીજાના રાજકીય વિરોધી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છેં જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસ માંથી ધારાસભ્ય હતા ત્યારે અરવિંદ લાડાણી જવાહર ચાવડાનું તમામ કામકાજ સંભાળતા હતા. આવા સમયે હવે તે ભાજપના ઉમેદવાર બન્યા છે ત્યારે જવાહર ચાવડા માટે પણ રાજકીય રીતે આ સમય ખૂબ જ કટોકટીભર્યો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર ખુલાસો પણ કર્યો હતો કે તેઓ ભાજપમાં રહેવાના છે તેની વચ્ચે આજે ભાજપે અરવિંદ લાડાણીને માણાવદર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.