પાટણ: હારીજની મામલતદાર કચેરી ખાતે મામલતદારે ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતા હાજર કર્મચારીઓ અને લોકોના ટોળા એકત્ર થઈ ગયાં હતા. બનાવને પગલે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે આવીને પંચનામું કરીને મામલતદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ સીએસસી સેન્ટર ખાતે ખસેડ્યો હતો.
મામલતદારનો આપઘાત: પાટણ જિલ્લાના હારીજ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ.પટેલ ગઈકાલે (11 ફેબ્રુઆરી, રવિવારે) સવારે કચેરી આવ્યા હતા અને કોઈ અગમ્ય કારણોસર કચેરીના ધાબા ઉપર જઈને ત્યાંથી પડતું મુક્યું હતું. જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દ્રશ્ય જોઈ ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ ઉપલા અધિકારીઓને કરતા જિલ્લા કલેક્ટર, પ્રાંત સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ હારીજ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેમના મૃતદેહને પીએમ અર્થે હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. ત્યાર બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સુપ્રત કરાયો હતો. પરિવારજનો દ્વારા પાર્થિવ દેહને તેમના માદરે વતન દિયોદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો. મામલતદારના મોતને લઈને અધિકારીઓને પરિવારજનોમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે.
રવિવારની સવારે 9:00 વાગ્યે મામલતદાર વી.ઓ.પટેલે કચેરીના ધાબા ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરી. આ અંગે પોલીસે હાલતો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારના મોબાઇલ નંબર ફેસુબક, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ સહિત તમામ પાસાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. - ડી.ડી.ચૌધરી, DYSP, રાધનપુર
''સવારે સાહેબ આવ્યા હતા અને ગાડી પાર્ક કરીને તેઓ તેમની ઓફિસમાં ગયા હતા ત્યારબાદ કઈ પડ્યા નો અવાજ આવતા હું દોડી આવ્યો હતો અને જોયું તો સાહેબ જ લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતાં, જેથી મેં અમારા નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. -કિરીટ પાઠક, ચોકિદાર, હારીજ નર્મદા નિગમ કચેરી