મહેસાણા: લાખો કરોડોના બંગલા ખરીદીને લોકોએ ઢીંચણ સમાં પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ વાત છે મહેસાણાના રાધનપુર રોડની. મહેસાણામાં વિકસિત વિસ્તાર એવા રાધનપુર રોડ પર જમીન અને મકાનોના ભાવ છેલ્લા થોડા વર્ષોમાં લાખો કરોડોએ પહોંચ્યા છે. જ્યાં 20 થી વધુ સોસાયટીઓના મુખ્ય માર્ગ પર જ ઢીંચણ સમાં પાણી ભરાતા લોકો પછતાઈ રહ્યા છે.
મહેસાણા રાધનપુર રોડ પર છેલ્લા થોડા વર્ષોથી જમીન અને મકાનોના ભાવ આસમાને પહોંચ્યા છે. ઊંચા ભાવે મકાનો અને બંગલા લઈ બેઠેલા લોકોએ હવે રોવાનો વારો આવ્યો છે. મહેસાણાના રાધનપુર રોડ પર પાડા કેન્દ્રની પાછળ આવેલ સહજ એમ્પાયરમાં આવેલી 20 થી વધુ સોસાયટીઓના લોકો લાખો અને કરોડો ખર્ચ કરી બંગલા ખરીદી બેઠા છે, પરંતુ ચોમાસાના સામાન્ય વરસાદમાં અહીં જવાના મુખ્ય માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાતા લોકોને બંગલામાં ગયા પહેલા ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવું પડે છે.
પાણીના નિકાલની રજૂઆત કરી: આ વિસ્તાર મહેસાણા નગરપાલિકા નહીં પરંતુ પાંચોટ ગ્રામ પંચાયતમાં આવતો વિસ્તાર છે જેને કારણે અહીં ભૂગર્ભ ગટર આવી જ નથી. છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારના લોકો ભૂગર્ભ ગટરની માંગણી કરી રહ્યા છે. પરંતુ મહેસાણા નગરપાલિકા વિસ્તાર નહીં હોવાથી અહીં ભૂગર્ભ ગટર આવી શકી નથી અને આવશે પણ નહીં એવુ સ્થાનિકે જણાવ્યું હતું. મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા તો જાહેર થઈ છે પરંતુ મહાનગરપાલિકા ક્યારે બનશે અને ક્યારે ભૂગર્ભ ગટર બનાવવાનો નિર્ણય લેવાશે અને ક્યારે ભૂગર્ભ ગટર બનશે એના વર્ષો વીતી જશે. ત્યાં સુધી આ વિસ્તારના લોકોને આ હાલાકીનો સામનો દર ચોમાસે કરવો જ પડશે તે ચોક્કસ છે. પરંતુ આ સમસ્યાનો કોઈ હંગામી નિકાલ પણ હજુ નહીં થઈ શકતા લોકોએ એકાદ મહિના પહેલા મેન હાઇવે પર ચક્કા જામ કરીને પણ રજૂઆત કરી હતી છતાં વરસાદ પડતાની સાથે જૈસે થે ની સ્થિતિ સર્જાય છે. જેને કારણે આ વિસ્તારના લોકોએ નોકરી ધંધા એ જવાબ આવવામાં અને બાળકોએ શાળા જવામાં રજા મૂકવી પડે તેવી ચોમાસા દરમિયાન સ્થિતિ સર્જાઈ જાય છે.