તાપી: ભારત દેશના 12 જ્યોતિર્લીંગના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય મળે છે, તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જીલ્લામાં આવેલ પાંચ મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે. શિવરાત્રીના દિવસે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અહીં દર શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે, જેમાં ઘર વપરાશની વસ્તુઓની સાથોસાથ ખેત ઓજારો અને કપડાં રમકડાં વગેરે વસ્તુઓ મળે છે, અહીં આવતા ભક્તો મંદિરમાં બિરાજમાન શિવજીના દર્શનની સાથે મહાપ્રસાદીનો લાભ લઇ મેળાનો આનંદ લેતા ચૂકતા નથી.
આ પોરાણિક શિવાલયનો ઈતિહાસ પણ ઘણો જ રસપ્રદ છે, કહેવાય છે કે જયારે મોગલોનું સામ્રાજ્ય દેશમાં ચાલતું હતું ત્યારે મોગલો હિન્દુઓના મંદિરોને ધ્વસ્ત કરી નાખતા હતા. જેને બચાવવા માટે જેતે સમયના રાજાઓએ આ મંદિરના ઘુમ્મટનો આકાર મસ્જિદ જેવો બનાવી મંદિરને બચાવ્યું હતું. અહીં મંદિરની એક તરફ ગરમ પાણી નીકળે છે તો બીજી તરફ ઠંડા પાણીના કુંડ આવેલ છે.
વિશેષ બાબત એ છે કે આ પાંચ મહાદેવજીના નામો પણ ક અક્ષરથી શરુ થાય છે, જેમાં સુરતના કાશી વિશ્વનાથ, કન્તારેસ્વર, કપીલેસ્વર, કેદારેશ્વર મહાદેવજી, જયારે તાપી જીલ્લામાંથી વ્યારાના બાલપુર ગામ સ્થિત કર્દમેસ્વર મહાદેવજી.
મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ કર્દમેશ્વર મહાદેવ ખુબ જૂનું પુરાણું મંદિર છે. અહી કર્તવ મુનિએ તપસ્યા કરી એના પરિણામ સ્વરૂપ સાક્ષાત શિવજી અહી શિવલિંગના રૂપમાં રૂપાંતર થયા. આદિવાસી વિસ્તારની અંદર આ એક એવું મંદિર છે જે સતયુગથી ચાલી આવ્યું છે. અહી વાંજરાઓ પોતાનું ધનસંપત્તિ લૂંટાઈ ન જાય તેમાટે મંદિરના ગર્ભ ગૃહમાં છૂપાવવા માટે આવતા હતા.
દર્શનાર્થે આવેલ શિવ ભક્તે જણાવ્યું હતું કે 150 વર્ષ પહેલાથી મેળો ભરાય છે. આ એક આસ્થાનું જૂનું પુરાણું ઔતિહાસિક મંદિર છે. જ્યાં યજ્ઞનું આયોજન થાય છે અને દૂર દૂર લોકો પોતાની આસ્થા લઈને આવે છે અને મેળો પણ ખુબ મોટો ભરાય છે. અહીં બુહારી, વ્યારા, સુરત, બારડોલી એમ દૂર દૂરથી લોકો અહી આવે છે અને મનોકામના પૂર્ણ કરે છે.