અમદાવાદ: ભારતી આશ્રમમાં પાછલા એકાદ વર્ષથી સરખેજ આશ્રમને લઈને સંચાલક ઋષિ ભારતી અને સમગ્ર ભારતી આશ્રમના મહંત અને મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં બે દિવસ પૂર્વે ભારતીય આશ્રમના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમનો કબજો મેળવીને ભારતી આશ્રમનું સંચાલન તેમના હસ્તક લઈ લીધું હતું.
ત્યારે ગઈ કાલે સમગ્ર ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરીહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની જગ્યામાંથી કાયમી ધોરણે મુક્ત કરી દીધા છે.
ઋષિ ભારતી અને ભારતી આશ્રમ વચ્ચેનો વિવાદ: ઋષિ ભારતી અને ભારતી આશ્રમ વચ્ચેનો વિવાદ ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર ભારતી બાપુના બ્રહ્મલીન થયા બાદ સામે આવ્યો હતો. તે પૂર્વે ઋષિ ભારતી હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં 14 મી ફેબ્રુઆરી 2020 ના રોજ વિધિવત રીતે સંન્યાસ ધારણ કરીને ભારતી આશ્રમની સંન્યાસી પરંપરામાં જોડાયા હતા.
ભારતી આશ્રમની પરંપરામાં જોડાયા પૂર્વે ઋષિ ભારતીનું નામ રવજી ભગત હતું. ભારતી આશ્રમમાં સમાવેશ થયા બાદ ગુરુ તરીકે હરીહરાનંદ ભારતીએ રવજી ભગતને ઋષિ ભારતી તરીકેનું સંન્યાસી નામ ધારણ કરાવ્યુ હતુ. તેવી જ રીતે વિશ્વેશ્વરી ભારતી માતાજી વર્ષ 2019 માં આયોજિત અલ્હાબાદના કુંભ મેળામાં ભારતી આશ્રમની પરંપરામાં જોડાયા હતા. તે પૂર્વે તેમનું નામ વિલાસબેન હતુ.
તમામ પરંપરાઓમાંથી મુક્ત: હરિહરાનંદ ભારતીએ વિલાસબેનને ભારતી આશ્રમની પરંપરા અનુસાર સંન્યાસ અપાવીને આશ્રમની પરંપરા અનુસાર તેમને નવું નામ વિશ્વેશ્વરી ભારતી માતાજી અપાવ્યું હતું વિવાદ બાદ હવે તેમના ગુરુ અને ભારતી આશ્રમના વર્તમાન મહંત અને મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીએ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય પદેથી અને ભારતી આશ્રમની તમામ પરંપરાઓમાંથી મુક્ત કરી દીધા છે.