વલસાડઃ આદિવાસી મતદારોને રીઝવવા ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે ઓટલા બેઠકનો પ્રયોગ કર્યો છે જ્યારે કોંગ્રેસે તમાશા પાર્ટીનો સહારો લીધો છે. તમાશા પાર્ટી એટલે કે એક પ્રકારના શેરી નાટકો કે જેમાં આદિવાસી બોલી, ગીતો, સંગીત, વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી આદિવાસી મતદારો સુધી કોંગ્રેસ પોતાની વાત સરળતાથી પહોંચાડી રહી છે.
શું છે આ તમાશા પાર્ટી?: તમાશા પાર્ટી એટલે સાદી ભાષામાં કહીએ તો શેરી નાટક. જેનું સ્વરુપ ગ્રામ્ય હોય છે. જેમાં વારલી, કુંકણી કે ડાંગી જેવી સ્થાનિક બોલીમાં કલાકારો રજૂઆતો કરતા હોય છે. આ રજૂઆતોમાં ચૂંટણી ટાણે નેતા દ્વારા આપવામાં આવતા વચનો તેમજ વચનો પૂરા થયા કે નહીં તેવી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. અંતરિયાળ ગામોના આદિવાસી વૃદ્ધો, પુરુષો, મહિલા અને યુવા મતદારોને તેમની જ ભાષામાં સમજાવીને આકર્ષવા માટે નો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
તમાશા પાર્ટીનું કંટેટઃ જંગલની જમીનમાં આદિવાસી સાથે થતા અન્યાય મુદ્દે સરકાર જમીન આપવાની વાતો કરી ફાઈલો સરકારી કચેરીમાં અટવાઈ દે છે. જેમને જમીન મળી છે એ પણ નિયમ મુજબ નથી મળી, પાર તાપી રીવર લિંક પ્રોજકેટ અંગે પણ સ્થાનિક ભાષા સાથે આદિવાસી વાદ્યોના ઉપયોગ કરી જાણકારી આપી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં રાજકીય નેતાઓ કેવા વચનો આપી જાય છે અને ચૂંટણી બાદ ગાયબ જ થઈ જાય છે. આવી તમામ વિગતો ઉપરાંત આદિવાસીઓને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરાઈ રહી છે.
તમાશા પાર્ટી પ્રયોગને યોગ્ય પ્રતિસાદ મળ્યોઃ તમાશા પાર્ટી એટલે કે શેરી નાટકો વર્તમાન સમયમાં વિસરાતી જતી કલા છે. ગ્રામીણ કક્ષાએ ચૂંટણી પ્રચારમાં તમાશા પાર્ટી યોજવાથી કલાકારોને રોજી મળી રહી છે અને સ્થાનિક બોલી જાણકાર લોકો સ્ટેજ ઉપર પરફોર્મ કરીને મતદારોને વિવિધ જાણકારી આપી રહ્યા છે. આદિવાસી પરંપરાગત વાદ્યો વગાડનારા કલાકારોને પણ રોજગારી મળી રહી છે. આદિવાસી મતદારો પોતાના વાદ્યો અને પોતીકી બોલીમાં યોજાતી તમાશા પાર્ટી સાથે આત્મીયતા કેળવી રહ્યા છે. આદિવાસી ક્ષેત્રમાં તેમનીજ બોલીમાં મતદારોને રીઝવવાનો કોંગ્રેસનો આ પ્રયાસ સફળ થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
આદિવાસી બહુલક વિસ્તારઃ કપરાડા તાલુકાના 128 ગામો અને ધરમપુર તાલુકાના 237 ગામોમાં મોટાભાગે ધોડિયા પટેલ, કુંકણા, વારલી તેમજ આદિમ જૂથના લોકોનો વસવાટ છે. અહી અંતરિયાળ વિસ્તારમાં લોકો કુંકણી ભાષાનો વધુ ઉપયોગ કરે છે જયારે ગુજરાતી સમજી શકે પણ પણ કેટલાક લોકો બોલી નથી શકતા તો શિક્ષિત યુવક-યુવતીઓ ગુજરાતી બોલી શકે છે. ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં 2,54,407 મતદાતા છે જયારે કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં 2,72,465 મતદારો છે જેમને રીઝવવા માટે બંને પક્ષ પ્રયાસ કરી રહ્યા છે.