સુરતઃ લોકસભા ચૂંટણી કુલ 543 બેઠક પર લડાવાની છે, પણ આ તમામ બેઠકોમાં સમગ્ર ભારતમાં સુરત લોકસભા બેઠક ચર્ચાની એરણે ચઢી છે. ચૂંટણી પહેલા આજે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવાથી ભાજપે અહીં ખાતું ખોલાવી દીધું છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા છે. ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં પૃથ્વીરાજ ચૌહાણે લોકસભા ચૂંટણી અનુસંધાને અનેક સવાલોના જવાબો આપ્યા છે.
ETV Bharat: આપ સુરત શહેરમાં આવ્યા છો જ્યાં ચૂંટણી પહેલા જ ભાજપ જીતી ગઈ છે અને તમારા જ ઉમેદવાર પર પ્રશ્નો થઈ રહ્યા છે શું કહેશો ?
પૃથ્વીરાજ ચૌહાણઃ હું એક બેઠક માટે નથી આવ્યો. દક્ષિણ ગુજરાતમાં અનેક બેઠકો છે. હાલ એક બેઠક નહિ પરંતુ 543 બેઠકો પર ચૂંટણી થવાની છે. હું ઈન્ડી અલાયન્સની વાતો કરવા માટે આવ્યો છું. ઓપરેશન કમલ જીતેલી સરકારને પાડવી, ધારાસભ્યોને ખરીદવા, હોર્સ ટ્રેડિંગ કરવું, ઇડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સનો ભય બતાવવો, પાર્ટી બદલવા માટે મજબૂર કરવા આ બધું જનતા જાણે છે, પરંતુ ભાજપ આટલી હદે બોખલાઈ ગઈ છે કે ચૂંટણી પહેલા જ આ બધી હરકતો કરવા લાગી છે. આ માટે હું કહું છું કે અગાઉ આપણે મોદી-શાહ મોડલ જોતા હતા પરંતુ હાલ મોદી શાહ અને સી.આર.પાટીલ મોડલ જોઈ રહ્યા છીએ.
ETV Bharat: શા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો તૂટી રહ્યા છે ?
પૃથ્વીરાજ ચૌહાણઃ કોંગ્રેસની અંદર આવી કોઈ પણ વાત નથી હું આપની વાતથી સહમત નથી. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2 વ્યક્તિઓને રાજ્યસભા બેઠક આપવામાં આવી છે. એક અમારા પૂર્વ મુખ્યપ્રધાન છે અને એક પૂર્વ કેન્દ્રીયપ્રધાન છે. આ બંનેની ચૂંટણી જીતવાની શૂન્ય સંભાવનાઓ હતી. તેઓએ રાજ્યસભા લઈને પાર્ટી બદલી છે. સંજય નિરૂપમને ટિકિટ મળી નહોતી. કોંગ્રેસે સંજય નિરૂપમને રાજ્યસભાનો સાંસદ બનાવ્યો સાથે મહારાષ્ટ્ર પ્રદેશનો અધ્યક્ષ બનાવ્યો. ગઠબંધનના કારણે તેઓ જે ક્ષેત્રથી ચૂંટણી લડવા માંગતા હતા તે અમારી પાસે નથી. જેથી તેઓ નિરાશાથી આરોપ કરી રહ્યા છે. અમારી પાર્ટી તૂટી નથી.
ETV Bharat: મહાઅઘાડીમાં ચાલી રહેલા મતભેદથી શું ફરક પડશે?
પૃથ્વીરાજ ચૌહાણઃ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં વર્ષ 2004થી 2019 સુધી અમારી 2 પાર્ટી યુપીએ તરફથી લડતી હતી. આજે અમે 3 પાર્ટી છીએ. શિવસેના અગાઉ અમારી સાથે નહોતી. હવે ઉદ્ધવ ઠાકરે અમારી સાથે છે. જેના કારણે અમારી તાકાત વધી છે. માટે હું દાવો કરી રહ્યો છું કે મહારાષ્ટ્રમાં ગઠબંધન સૌથી વધારે બેઠકો મેળવશે. ભાજપની સંખ્યા 23 હતી તે ઘટી જશે.
ETV Bharat: વડાપ્રધાન '400 કે પાર' વાળી વાત કરે છે ઈન્ડી અલાયન્સનું શું સ્ટેટસ છે ?
પૃથ્વીરાજ ચૌહાણઃ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ભાજપ બેઠક નિર્ધારિત કરી શકી નથી. આજે ચૂંટણી કયા સ્તરે છે તેમને ખબર જ નથી. ભાજપની અંદર જ ટકરાવ છે લોકો પાર્ટી છોડી રહ્યા છે. પીએમ મોદીને 400 પાર કહેવાની કેમ જરૂર પડી ? બેક ફાયર થઈ ગયું છે. સંવિધાન બદલવાની વાત કરે છે. દલિત , આદિવાસી , ઓબીસી સમાજને સંવિધાનનો લાભ મળ્યો છે તે લોકો ભયભીત થઈ ગયા છે કારણ કે, ભાજપ સંવિધાનને બદલવાની વાત કરે છે. ભાજપ કહે છે કે સંવિધાન બદલવા માટે અમને બહુમત જ જોઈએ. 2017માં તેઓ ગુજરાત વિધાનસભાની વાતો કરી રહ્યા હતા 200 સીટ આવશે તેઓ દાવો હતો તેઓ 100 સુધી પણ પહોંચી શક્યા નહોતા. મોટી મોટી વાતો કરે છે પરંતુ પરિણામ જુદું જ આવે છે. કોઈ આમ થોડું કહેશે કે હું ચૂંટણી હારવાનો છું. ભાજપની સત્તા જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે નહીં.
ETV Bharat: રાજસ્થાનમાં પીએમ મોદીએ જે રીતે મનમોહનસિંહ અને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા છે તેનાથી કોંગ્રેસ પર શું અસર પડશે ?
પૃથ્વીરાજ ચૌહાણઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે આ માટે ધાર્મિક તૃષ્ટિકરણ કરી રહ્યા છે. મનમોહનસિંહજીના જે ભાષણ અંગે તેઓ જણાવી રહ્યા છે તે વખતે હું ત્યાં પોતે હાજર હતો. નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ખોટી રીતે અર્થઘટન કરીને મનમોહનસિંહજીના ભાષણને આ લોકો પ્રજાની સમક્ષ રજૂ કરી રહ્યા છે. પૂર્વ પીએમ એ કહ્યું હતું કે જે લોકો સુધી સરકારી લાભ મળી રહ્યા નથી તે લોકોને પહેલા આપવાના છે. જેમાં દલિત, આદિવાસી અને ઓબીસી પણ સામેલ છે એમાં કોઈ ખોટી વાત નથી. પીએમ કહે છે કે આ લોકો તમારું મંગલસૂત્ર વેચી નાખશે. કોંગ્રેસ સર્વે કરાવશે આવી વાત અમારા મેનિફેસ્ટોમાં નથી. આવી તથ્યહીન વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે કરી રહ્યા છે ? શું તેઓ ચૂંટણી હારી રહ્યા છે તે અંગે તેમને અંદાજ આવી ગયો છે? મુદ્દાની વાતો કરતા નથી. તેમણે 10 વરસ જે ચૂંટણી વાયદાઓ કર્યા છે તે પૂર્ણ કરી શક્યા નથી તેની વાત તેઓ નથી કરતા. 20 કરોડ રોજગારી આપવાની વાત હતી 10 કરોડને પણ આપી શક્યા નથી.
ETV Bharat: રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ચહેરા છે ?
પૃથ્વીરાજ ચૌહાણઃ આ ચૂંટણી વર્ષ 1977 જેવું છે. લોકોએ ચૂંટણી હાથમાં લીધી છે. મોદીજી પ્રયાસ કરી રહ્યા છે કે આ ચૂંટણીને અમેરિકાની ચૂંટણીની જેમ લેવામાં આવે. અમારી પાસે મોદી છે તમારી પાસે કોણ છે ? અમે આ સંદર્ભમાં પડવા માંગતા નથી. અમે ભારતની જનતાને અપીલ કરીએ છીએ કે મોદીને હરાવે. અમને બહુમતી આપો. અમે બેસીને નક્કી કરીશું કે વડાપ્રધાન કોણ બનશે? 1977માં અમારી પાસે ચહેરો નહોતો. તે જ રીતે ભારતની પ્રજા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવશે અને ત્યાર પછી અમે નક્કી કરીશું કે ઈન્ડી અલાયન્સના પીએમ કોણ બનશે ?