સુરતઃ લોકસભા ચૂંટણી 2024માં સુરત બેઠક સમગ્ર ભારતમાં પ્રખ્યાત બની છે. આ બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે. આ બેઠકના મતદાતાઓ મતદાન નહીં કરી શકે તેવા સંજોગો સર્જાયા છે. જો કે સુરત શહેર અને જિલ્લામાં નવસારી અને બારડોલી લોકસભા વિસ્તાર આવવાના કારણે આશરે 30 લાખથી વધુ મતદાતા 7મી મેના રોજ મતદાન કરી શકશે.
30 લાખ મતદારો મતદાન કરી શકશેઃ સુરત શહેરના લિંબાયત, ઉધના, મજૂરા અને ચોર્યાસી વિસ્તારમાં રહેતા લોકો અને સાથે જિલ્લામાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા વિધાનસભા વિસ્તારમાં રહેતા 30 લાખ જેટલા મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકશે.આ વિષયક માહિતી મળી રહે તે માટે ચૂંટણી પંચે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા છે. જેથી લોકો પોતાના વિધાનસભા બેઠક અંગેની જાણકારી પરથી જાણી શકશે કે તેઓ મતદાન કરી શકશે કે નહીં.
કુલ 16 વિધાનસભા બેઠકઃ સુરતના નાયબ ચૂંટણી અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, સુરતના મતદારો જે અસમંજસની સ્થિતિમાં છે. તેની પાછળ કારણ છે કે આપણા સુરત શહેરની ફુલ 16 વિધાનસભા વિસ્તાર આવેલ છે. જેની અંદર સુરત લોકસભા બેઠક 24 જે બિનહરીફ થઈ છે તેની અંદર માત્ર 7 જ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. તે ઉપરાંત જે પણ વિધાનસભા બેઠક છે ત્યાં મતદાન થશે. જેમાં બારડોલી અને નવસારી લોકસભા લાગે છે પરંતુ હદ વિસ્તાર સુરતમાં આવે છે. બારડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાના વિસ્તાર આવે છે. આવી જ રીતે નવસારી લોકસભા વિસ્તાર છે તેની અંદર સુરતના લિંબાયત, ઉધના, ચોર્યાસી મજુરા વિધાનસભા બેઠકના મતદારો મતદાન કરી શકે છે.
સુરતમાં 3 લોકસભા બેઠક સમાવિષ્ટઃ સુરતના નાયબ ચૂંટણી અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, એવી જ રીતે બારડોલી લોકસભા મતવિસ્તારમાં આવનાર સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા આ વિધાનસભા મતવિસ્તારના લોકો પણ 7મી તારીખે મતદાન કરી શકશે. સવારે 7થી સાંજે 6 કલાક સુધી તેઓ મતદાન અધિકારનો ઉપયોગ કરી શકશે. સુરત જિલ્લામાં 3 લોકસભા બેઠક સંકળાયેલી છે. જેમાંથી માત્ર 24 નંબરની લોકસભા બેઠક જ બિનહરીફ થઈ છે. જેથી અન્ય વિસ્તારના લોકો જે બારડોલી અને નવસારી લોકસભા બેઠકમાં આવે છે તેઓ મતદાન કરી શકશે. સુરત જિલ્લામાં 14.40 લાખ મતદાતાઓ બારડોલી લોકસભા બેઠકમાં મતદાન કરી શકશે. નવસારી લોકસભા બેઠકમાં 15.40 લાખ મતદાતા મતદાન કરી શકશે. એટલે સુરત શહેર અને જિલ્લાના કુલ આશરે 30 લાખ મતદાતા મતદાન કરી શકશે.