નવસારીઃ લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. દરેક પક્ષ પોતાની રીતે ચૂંટણીમાં નાણાકીય ખર્ચ કરતો હોય છે પરંતુ નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર દ્વારા મને ચૂંટણી લડવા માટે ફંડ આપીને ચૂંટણી લડવા બળ પૂરું પાડો તેવી અપીલ કરાઈ છે. નૈષધ દેસાઈએ પોતાની અપીલ દર્શાવતો વિડીયો જાહેર કર્યો છે.
કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ સીઝ્ડઃ ફંડની અપીલ કરતા વિડીયોમાં નૈષધ દેસાઈ જણાવે છે કે, ભાજપે ચૂંટણી અતિ ખર્ચાળ કરી દીધી છે જેથી અમને પણ ચૂંટણી લડવા માટે ફંડની જરૂર છે. જો કે વિશ્વમાં પહેલી વખત એવું બન્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ન લડી શકે તે માટે તમામ એકાઉન્ટ સીઝ થયા છે. નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નેષધ દેસાઈએ મતદારો સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે મતદારોની સહાનુભૂતિ મેળવવા નાણાકીય ભીડનો પ્રશ્ન ઉપસ્થિત કરી ફંડની અછતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
નૈષધ દેસાઈની વિડીયોમાં અપીલઃ 25 નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ ચૂંટણી લડવા માટે ફંડની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા વિડીયોમાં અપીલ કરી છે કે, આપ મતદાતાઓને પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકારશોજી. આપ જાણો છો તેમ દુનિયામાં પહેલી વખત કોઈ રાજકીય પક્ષ કોંગ્રેસના એકાઉન્ટ ચૂંટણી પહેલા સીઝ થયા હોય એવો પ્રસંગ બન્યો છે. અત્યારે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણીને ભાજપે અતિ ખર્ચાળ બનાવી દીધી છે. તેથી આપને નમ્ર પ્રાર્થના કરવાની છે મારો ક્યુઆર કોડ બેન્ક એકાઉન્ટ લિંક સાથે રજૂ કર્યું છે. આપ મતદાન પહેલા આપના આશીર્વાદ સાથે મને દાન તરીકે આપને યોગ્ય લાગે તે નાણાં આપવા હું આપને નમ્ર પ્રાર્થના કરું છું. આપને આપેલ તકલીફ બદલ આપની ક્ષમા ચાહું છું. આપ જાણો છો કે હાલના સુરત લોકસભામાં હિટલરના અંતભક્તોએ ભય અને લોભથી 18 લાખ મતદાતાઓનો મતદાનનો અધિકાર છીનવી લીધો છે. મતદાનના અધિકારની હત્યા કરી છે. આપને મતદાન કરતા પહેલા ન્યાય યોગ્ય દાન આપીને ન્યાય આપવા આપને પ્રાર્થના છે. ધન્યવાદ...