કચ્છ રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ લોકસભા બેઠક દેશની સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવતી બેઠક છે. પાકિસ્તાન સાથેની સરહદ અને ખાડીઓથી થતી ઘુસણખોરીથી કચ્છ અનેક વાર સમાચારોમાં મથાળે ચમકે છે. 1998નું કંડલા વાવાઝોડું હોય કે 2001નો ભીષણ ધરતીકંપ, કચ્છી માડુઓએ પોતાની આગવી સૂઝથી આફતને અવસરમાં બદલી વિકાસની ગતિ તેજ કરી છે. સિંધુ સંસ્કૃતિના પ્રતિકસમા ધોળાવીરાએ કચ્છને વૈશ્વિક ઓળખ અપાવી છે તો કચ્છી ભરતકામ, કચ્છી ઘોડી, કચ્છી કેસર કેરી સહિત અનેક કચ્છી ઓળખથી દેશ વાકેફ છે.
કચ્છની લોકસભા બેઠકનો ચિતાર
પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા સાંસદ તરીકે ચુંટાયા હતાં.વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં 26 સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો વર્ષ 1996થી ભાજપના જ કબજામાં છે અને કચ્છની બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે.
રેલવે અને એરપોર્ટની સુવિધાઓની માંગ
કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ પોતાની ભૌગોલીક વિવિધતા માટે જાણીતું છે. ગુજરાતમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ અચુકપણે કચ્છની મુલાકાત કરતા હોય છે. કચ્છ જિલ્લામાં હાલમાં ચાર એરપોર્ટ આવેલા છે જે નલિયા, કાંડલા, મુંદ્રા અને ભુજ ખાતે છે. ભુજ એરપોર્ટ ડાયરેક્ટ મુંબઇ સાથે કનેક્ટેડ છે અને પ્રવાસીઓ દ્વારા વધુ ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પણ માંગણી કરવામાં આવી રહી છે. તો નર્મદાના નીર, રેલવે સુવિધાઓ, પાયાગત સુવિધાઓ વગેરે પ્રશ્નો પણ છેલ્લાં અનેક વર્ષોથી ચુંટણીના મુદ્દાઓ બનતા આવ્યા છે.
1952માં પ્રથમ વખત ચુંટણી
કચ્છ લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાંથી એક બેઠક છે જેમાં વર્ષ 1952માં પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ લોકસભાની બે બેઠકો હતી.1957માં માત્ર કચ્છ બેઠક થઈ ત્યારે કોંગ્રેસના ભવાનજી અરજણ ખીમજી જીત્યા હતા. સ્વતંત્ર પાર્ટીની સ્થાપના પછી કચ્છના રાજવી હિંમતસિંહજી જાડેજા 1962માં જીત્યા હતા તો ત્યાર બાદ 1967 અને 1971માં કોંગ્રેસે ફરી આ બેઠક જીતી હતી. જ્યારે વર્ષ 1977માં જનતા પાર્ટીના અનંત દવે જીત્યા હતા તો ફરી વર્ષ 1980 અને 1984માં કોંગ્રેસે જીત મેળવીને બેઠક પોતાના કબ્જે કરી હતી. 1989માં ભાજપના બાબુ મેઘજી શાહની જીતથી ફરીથી બેઠક પર ભાજપની એન્ટ્રી થઇ હતી.તો ત્યાર બાદની ટર્મમાં ફરી વર્ષ 1991માં કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ પટેલ જીત્યા હતા તો એ પછી સળંગ ચાર વાર એટલે કે 1996 થી 2009 સુધી ભાજપના પુષ્પદાન ગઢવી કચ્છ લોકસભા બેઠક જીત્યા હતા.
1996 થી ભાજપનો ગઢ
વર્ષ 2009ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડાઈ લાદવામાં આવી હતી જેમાં નવા સીમાંકનમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2009માં ભાજપનાં પૂનમબેન જાટ જીત્યાં હતાં અને ત્યારબાદ વર્ષ 2014 અને 2019માં ભાજપના વિનોદ ચાવડા જીત્યા હતા. આમ કચ્છ લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે અને ભાજપ સળંગ છ વાર અહીંથી જીત્યું છે.
કચ્છ બેઠકમાં 7 વિધાનસભા બેઠક
આ બેઠકમાં 7 વિધાનસભા બેઠકના વિસ્તાર આવે છે જેમાં કચ્છની 6 બેઠક અને 1 મોરબીની બેઠકનો સમાવેશ થાય છે. કચ્છની માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, રાપર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે જ્યારે એક વિધાનસભા બેઠક મોરબીનો પણ આ કચ્છ - મોરબી લોકસભા બેઠકમાં કરવામાં આવે છે.
કચ્છ લોકસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણ
કચ્છ લોકસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. આમ જોવા જઈએ તો કચ્છની બેઠક પર કોઈ એક જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ નથી અને જુદી જુદી જ્ઞાતિઓની બનેલી આ બેઠક એસ.સી. માટે અનામત છે પરંતુ જ્ઞાતિવાદી સમીકરણો અહીં કામ કરતાં નથી. આ બધી જ્ઞાતિઓના મતદારોની સંખ્યા 7-8 ટકાની આસપાસ રહેતી હોય છે. કચ્છમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે તો નિષ્ણાંતોના માટે મુજબ અહી કોંગ્રેસ તરફી મતદારોની પણ સારી સંખ્યા હોય છે પરંતુ અંતે ભાજપના ઉમેદવાર જ ચુંટાઈ આવે છે.
કોંગ્રેસની વોટબેંક છતાં ભાજપ વિજેતા
વરિષ્ઠ પત્રકાર ધરમશીભાઈ મહેશ્વરીએ કચ્છ લોકસભા બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છની લોકસભાની સીટ છે તેમાં મોરબી પણ આવી જાય છે.આ બેઠક 2009થી અનુસૂચિત જાતિ માટે અનામત રહી છે. વર્ષ 2009,2014 અને 2019ની ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર જીતતા આવ્યા છે.જે હકીકતમાં અજુક્તું કહેવાય કારણ કે હકીકતમાં કચ્છની બેઠક કોંગ્રેસની સુરક્ષિત બેઠક કહેવાય. કોંગ્રેસની વોટબેંક પણ મોટી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં સંગઠન નથી માત્ર ચુંટણી સમયે જ તેના નેતાઓ અને કાર્યકરો સક્રિય થાય છે જ્યારે ભાજપ સંગઠિત પાર્ટી છે.
અનુચિત જાતિ અનામત સીટમાં લાખોના તફાવતથી ભાજપ વિજેતા
કચ્છની લોકસભા અનામત સીટ પર લગભગ 2.50 લાખ જેટલા મતદારો અનુસચિત જાતિના છે. કોંગ્રેસ પાસે મોટી વોટબેંક છે છતાં પણ કોંગ્રેસ હરી જતું હોય તે વિચિત્ર કહેવાય. વર્ષ 2009માં પૂનમબેન જાટ જ્યારે ચુંટાઈ આવ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર માત્ર 70,000 જેટલા મતથી જ હાર્યા હતા. ત્યાર બાદ 2014માં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે 2.54 લાખ મતથી હરી ગયા હતા. 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3 લાખ મતથી હારી ગયા હતા.
સામાન્ય બેઠક સમયે હારજીતનો અંતર માત્ર 14થી 15 હજાર
કચ્છ લોકસભાની બેઠક જ્યારે જનરલ હતી ત્યારે હારજીતનો તફાવત 14-15 હજાર મતથી થતી હતી પરંતુ જ્યારથી અનુસૂચિત જાતિની બેઠક થઈ ત્યારથી લાખોના તફાવતથી કોંગ્રેસ બેઠક હારી રહ્યું છે. આમ કોંગ્રેસની બેઠક પાકી હોવા છતાં કોંગ્રેસનો ઉમેદવાર કોઈ જીતી નથી રહ્યો. કચ્છ અગાઉ કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે અને તેની આટલી મોટી વોટબેંક હોવા છતાં કોંગ્રેસ હારી રહી છે જેનું એક માત્ર કારણ છે કે કોંગ્રેસ પાર્ટી સંગઠિત નથી અને વિખરાયેલી છે.
બહારના ઉમેદવારોને અપાઈ શકે છે ટિકિટ
વર્ષ 2024ની લોકસભા બેઠકમાં ટિકિટ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ કચ્છના હાલના સાંસદ વિનોદ ચાવડાની તો ચુંટણી લડવાની ઈચ્છા છે પરંતુ મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં કોઈ રસ નથી દર્શાઈ રહ્યો. જો કે આ વાત કહેવી ખૂબ વહેલું કહેવાય પરંતુ જે વાતો જાણવા મળે છે તે મુજબ આ વર્ષે ટિકિટ ફરીથી વિનોદ ચાવડાને ના પણ મળે. આ ઉપરાંત ગુજરાતમાં માત્ર બે બેઠકો જ એવી છે જે અનામત રાખવામાં આવી છે જેમાં કચ્છની બેઠક પણ અનામત હોતા તેના પર પણ અનેક ઉમેદવારોની નજર માંડેલી છે.
આ વર્ષે પણ ભાજપને બેઠક જાય તેવા અણસાર
આ વર્ષે બંને રાજકીય પક્ષો દ્વારા કચ્છના સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ના આપીને બહારનો કોઈ ઉમેદવાર લાવવામાં આવશે તેવા સમાચાર જણાઈ રહ્યા છે. જેમાં ભાજપ તરફથી કિશોર મકવાણા અને કોંગ્રેસ તરફથી જીજ્ઞેશ મેવાણીને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે. કચ્છના સ્થાનિક ઉમેદવારો જે જે કોંગ્રેસ પક્ષના છે અને અનુસ્કિત જાતિમાં આવે છે તેઓ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવે તો પણ ચુંટણી લડવા તૈયાર નથી કારણ કે તેમને જાણ જ છે કે ભાજપ જીતવાની છે માટે હારવા મટે કોણ ચુંટણી લડે માટે કોંગ્રેસ વાળા અત્યારથી માની રહ્યા છે કે તેમનું કામ નથી જેથી આ વર્ષે પણ આ બેઠક ભાજપના પક્ષે જાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે.