કચ્છઃ ભારત એક કૃષી પ્રધાન દેશ છે. કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં ખેડૂતો માટે કેટલીય સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો અને પશુપાલકોને તેમની આવક વધારવા માટે લોન, સબસિડી તથા પાક સંગ્રહ જેવી સ્કીમ્સનો લાભ પણ આપવામાં આવે છે. કચ્છના ખેડૂતોને વર્ષ 2019ની ચૂંટણી સમયે આપવામાં આવેલા વાયદાઓ તેમજ કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની કંઈ યોજનાઓનો લાભ મળ્યો છે તે અંગે કચ્છના ખેડૂતો અને કૃષિ અગ્રણીઓએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
પાણીની મુખ્ય સમસ્યાઃ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના ખેડૂતોની મુખ્ય સમસ્યા પાણી છે. દુધઈ સબ બ્રાન્ચ કેનાલને આજે પોણા 3 વર્ષ થયા પરંતુ તેની સ્થતિ લટકતી રહી છે. અનેક વખત ટેન્ડર રદ્દ થયા હમણાં પણ 6 તારીખે ટેન્ડરની પ્રક્રિયા હતી જે સોફ્ટવેર ના ચાલવાના કારણે રદ્દ થઈ.
મોંઘવારીનો મારઃ કચ્છના ખેડૂતની પરિસ્થતિ દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેવી છે. વધારાના નર્મદાનાં પાણી માટે અનેક આંદોલન કરવામાં આવ્યા, આવેદન આપવામાં આવ્યા અને હજૂ પણ સતત રજૂઆતો કર્યા છતાં પણ 2 લીંક કેનાલોની વહીવટી મંજુરી પણ નથી મળી. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ખેતીમાં બિયારણ, મજૂરી, ખાતર, ડીઝલ વગેરેના ભાવ ડબલ થઈ ગયા છે.
પાકનું યોગ્ય વળતર નહીંઃ ખેડૂતોને ગઈ સીઝનમાં કપાસના ભાવ 40 કિલોના 4500 ભાવ મળ્યા હતા. જે આજે 2500 -2700 રૂપિયામાં કોઈ લેવા માટે તૈયાર નથી. રાયડાનો પાક પણ 1700-1800 રૂપિયામાં 40 કિલો કોઈ લેવાલ નથી. જીરાનો પાક પણ 17000થી 18000 રૂપિયાના ભાવે વેચાતો હતો તે 8000ને 9000 રૂપિયામાં કોઈ લેવા તૈયાર નથી. વરિયાળીના ભાવ જે 7000થી 8000 મળી રહ્યા હતા તે 2500માં લેવા કોઈ તૈયાર નથી.
ગત ચૂંટણીના વાયદાઓઃ સરકારે ચૂંટણી સમયે અનેક વાયદાઓ કર્યા. જેમાં અમારી સરકાર ફરી આવશે તો વર્ષ 2022ના અંત સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે તેમજ સ્વામીનાથન કમિટીનું અમલીકરણ કરવામાં આવશે પરંતુ તે માત્ર વાતો જ રહી છે. જો સ્વામીનાથન કમિટી લાગુ કરવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત ઓર્ગેનિક સર્ટિફિકેશન, એમએસપી એટલે કે નિશ્ચિત કિંમત પર કેન્દ્ર અને રાજ્ય સરકારો અને તેમની એજન્સીઓ ખેડૂતો પાસેથી અનાજ ખરીદશે તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા જે પૂર્ણ થયા નથી.
સ્વામીનાથન બિલના મુખ્ય મુદ્દાઓઃ
1)ખેડૂતોની ખેતપેદાશોમાં લાગનારા મૂલ્યથી 50 ટકા વધુ કિંમત આપવામાં આવે.
2)ખેડૂતોને સારી ખેતપેદાશો માટે સારી ગુણવત્તાવાળા બીજ ઓછામાં ઓછા ભાવમાં આપવામાં આવે.
3)ખેતીની અને જંગલોની જમીનને કોર્પોરેટ જેવા કામો માટે આપવામાં ન આવે.
4)ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવા માટે લોનનું પ્રાવધાન કરવામાં આવે અને આ માટેના વ્યાજદરોને પણ ન્યૂનતમ રાખવામાં આવે.
યોજનાઓનો લાભ લેવા માટે વહેલા તે પહેલા ધોરણેઃ ખાસ કરીને ખેડૂતોને યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેતી હોય છે પરંતુ ખેડૂતો જે ભણેલા નથી તેમને આ બધું સમજમાં ના આવે તો નેટવર્ક પ્રોબ્લેમ હોય તો પણ અરજી નથી થઈ શકતી. બાકી યોજનાઓના લાભમાં વહેલા તે પહેલાના ધોરણે યોજનાઓનો લાભ ખેડૂતોને મળતો હોય છે થોડાક સમય માટે સાઈટો ચાલે પછી અરજી કરવાની બંધ થઈ જાય.
ખેડૂતોને પાણી અને યોગ્ય ભાવ મળે તેવી માંગઃ સરકારને જણાવવામાં આવે છે કે ખેડૂતને કોઈ યોજનાની જરૂર નથી તેમને માત્ર પાણી અને તેમના પાકના યોગ્ય ભાવ આપો. ખેડૂતોને પાણી અને ભાવ મળશે એટલે ખેડૂત પોતે ઊભો થશે. સરકારને સસ્તું ખવડાવું છે તો સરકાર ખેડૂતો પાસેથી સવામીનાથન કમિટીનું બિલ લાગુ કરીને પાક ખરીદે અને સસ્તા ભાવે વિતરણ કરે. ખેડૂતોને સબસિડી નથી જોઇતી જેમાં 50 થી 200 રૂપિયાની સહાય માટે ખેડૂતો સાત બાર લઈને 24 કલાક થોડા ઊભા રહેશે. ખેડૂતોને ખેતરમાં કામ કરવા આપો તો જ આ દેશનું ભલું થશે. ખેતીપ્રધાન દેશ છે ખેડૂતો એ દેશની અસ્મિતા છે. ખેતી માટે સરકારે આગામી દિવસોમાં નવી પોલિસી લઈ આવવી પડે તેવું ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું.
આવક બમણી કરવા યોજનાઓઃ અન્ય ખેડૂત અગ્રણી વાલજીભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજનાઓની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે વાત કરી હતી કે ખેડૂતોની આવક બમણી થશે જેના માટે અલગ અલગ યોજના આપી પણ સ્થાનિક સ્તરે સરકાર દ્વારા જાહેર કરાયેલ યોજનામાં કામ થયા નથી. ખાસ કરીને એક સ્કાય યોજના એટલે કે સૂર્ય શક્તિ કિસાન યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં ખેડૂતોની આવકમાં વધારો થાય જેના માટે ખેડૂતો તેમાં ભાગ લે, ખેડૂતો તેના માટે ઈચ્છા પણ દર્શાવી હતી અને અરજીઓ પણ કરી હતી, પણ સરકારની કોઈ પણ નીતિમાં ધ્યાન ના રહ્યું કંપની તરફની જ નીતિ લાગી. જે સ્કાય યોજનામાં ખેડૂતોને લાભ મળવો જોઈએ તે ખેડૂતોને મળ્યો નહીં.
સરકારે બંધ કરી યોજનાઓઃ આ યોજનામાં ખેડૂત પોતાની જાતે પોતાના ખેતરમાંજ વીજળી ઉત્પન કરી શકે છે તેમજ વેચી પણ શકે છે. આ યોજના અંતર્ગત ખેડૂતે પોતાના ખેતરમા સોલર પેનલ લાગવવાની રહેતી હોય છે. આ સોલર પેનલ પર સરકાર સબસિડી આપતી હોય છે. આ સોલર પેનલની મદદથી ઉત્પન થતી વીજળી ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ વાપરી શકે છે અને વધારાની વીજળી ખેડૂત સરકારને વેચી શકે છે પરંતુ આ યોજના સરકારે બંધ કરી નાખી.
જમીન સંપાદનમાં યોગ્ય વળતરની માંગઃ આ ઉપરાંત કચ્છમાં અનેક વિદ્યુત ઉત્પાદન કરતી કંપનીઓ વિકાસના નામે કચ્છમાં કાર્યરત છે. જે મોટી લાઈનો અને પવનચક્કીઓ કચ્છના વિવિધ વિસ્તારોમાં નાખે છે. વીજલાઈન અને પવનચક્કીઓ માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવે છે જેમાં ખેડૂતોને જે વળતર આપવું જોઈએ તે વળતર આપવામાં આવતું નથી અને 2017ની ગાઈડલાઈન મુજબ વળતર મળતું નથી. સરકાર બજાર કિંમતની જગ્યાએ જંત્રી મુજબ વળતર આપે છે જે પૂરતું નથી માટે ખાસ કરીને સરકાર તરફથી ખેડૂતોને લાભ થાય તેવું નથી. સરકારી યોજનાઓ ચાલુ થાય અને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળે તેની રજૂઆત વાલજીભાઈ લીંબાણી નામક ખેડૂતે કરી હતી.
બ્રાન્ચ કેનાલ માટે 3 વર્ષથી વાયદાઓઃ અન્ય ખેડૂત અગ્રણી ભીમજીભાઈ કેરસિયાએ જણાવ્યું હતું કે, ખરેખર ચૂંટણી આવી રહી છે ત્યારે ગત ટર્મ માં જે પ્રમાણે વાયદા થયા હતા તે પૂર્ણ કરવામાં નથી આવ્યા. કચ્છને પાણીની તાતી જરૂરિયાત છે જે હજી સુધી મળ્યું નથી. નર્મદાના પાણી અને દુધઈ સબ બ્રાન્ચ કેનાલ માટે કિસાન સંઘ દ્વારા પણ કાયમ લડત ચલાવવામાં આવી છે. 3 વર્ષ અગાઉ વધારાના નિયમિત પાણી માટે કિસાનો ધરણાં પર બેઠા હતા ત્યારે સાંસદ પોતે આવીને દુધઈ સબ બ્રાન્ચ કેનાલ માટે ખાતરી આપી ગયા હતા કે 2 મહિનાની અંદર આ પ્રશ્ન ઉકેલાઈ જશે પરંતુ આજદિવસ સુધી આ પ્રશ્ન નથી ઉકેલાયો. હવે તો વિશ્વાસ પણ નથી રહ્યો કે પાણીનો પ્રશ્ન ઉકેલાશે કે કેમ???
વિકાસના ભોગે ખેડૂતોનો વિનાશઃ વધારાના પાણી માટે કચ્છના ખેડૂતોએ અનેક કાર્યક્રમો કર્યા. ખેડૂતો સરકારના આભારી છે કે તેના માટે વહીવટી મંજુરી આપવામાં આવી છે અને કામ ચાલુ થયા છે પરંતુ કામ ચાલુ કરવા બાબતે ખેડૂતોને જાણ પણ કરવામાં નથી આવી અને જેમાં ખાસ કરીને ખેડૂતોની કેટલી જમીન જશે કેટલી જમીનનું સંપાદન કરવામાં આવશે ત્યાર બાદ કંઈ પરિસ્થતિનું નિર્માણ થશે તેની જાણ ખેડૂતોને કરવામાં આવી નથી. ખેડૂતોના ખેતરોમાં કામ થઈ રહ્યું છે જે ખરેખર ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોને પૂરતી માહિતી આપવી જોઈએ કે તમારી આટલી જમીન સંપાદન કરવામાં આવશે અને તમને આટલું વળતર આપવામાં આવશે. ત્યારબાદ જ કામ શરૂ કરવું જોઈએ. વિકાસના ભોગે ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે.
ખેડૂતોને પાણી મળે તેવા અણસાર નથીઃ લોકસભા ચુંટણી અને ઉમેદવાર અંગે વાતચીત કરતા ખેડૂતોએ એકસૂરમાં જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘ બિન રાજકીય સંગઠન છે. ચૂંટણી સાથે ખેડૂતોને કોઈ લેવાદેવા નથી પરંતુ જે કામો નથી થયા તે આપની સમક્ષ મૂકવામાં આવ્યા છે. પાણી માટે પણ અનેક કાર્યક્રમો અને વાયદાઓ થયા પરંતુ હજી સુધી ખેડૂતોને પાણી મળે તેવા અણસાર મળી રહ્યા નથી. તેમજ ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવું પણ લાગી રહ્યું નથી.
કચ્છમાં 2,45,800 ખેડૂત ખાતેદારોઃ ભારતીય કિસાન સંઘ તરફથી મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લામાં 2,45,800 ખેડૂત ખાતેદારો છે. જે પૈકી 30 ટકા લોકોને જ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. જો કે ખેડૂતોની એ જ માંગ છે કે તેમને પાણી મળે અને તેમના પાલન યોગ્ય ભાવ મળી રહે તો કોઈ અન્ય યોજનાઓની ખેડૂતોને જરૂર નથી. આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણ વાઘેલાનો સંપર્ક સાધવાનો પ્રયાસ Etv Bharat દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો.
ખેડૂતો માટેની મુખ્ય સરકારી યોજનાઓઃ ખાસ કરીને ખેડૂતો માટેની મુખ્ય સરકારી યોજનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જેમાં ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય મળે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે જે વિશ્વની સૌથી મોટી પાક વીમા યોજના છે. જેને વર્ષ 2016માં શરૂ કરાઈ હતી. આ યોજનાનો લાભ ખેડૂતો કુદરતી આફતો જેવા કે વરસાદ, ગરમી, ભેજ વગેરેના કિસ્સામાં થયેલા નુકસાન સમયે લઈ શકે છે.
સિંચાઈ અને લોન માટેની યોજનાઓઃ આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે. જેમાં ખેતી, માછીમારી અને પશુપાલન સાથે સંકળાયેલા કોઈપણ ખેડૂત ક્રેડિટ કાર્ડનો લાભાર્થી બની શકે છે. વર્ષ 1998માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કીમ સરકારી અને બિન સરકારી બેન્કો દ્વારા ચલાવવામાં આવે છે. ખેડૂતોને તેમની જમીનના હોલ્ડિંગ અને પાકના આધારે કૃષિ જરૂરિયાતો માટે લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ખેડૂતોને રોકડિયા પાકોમાં યોગ્ય સિંચાઈની જરૂર પડે છે. જેના માટે વર્ષ 2015માં ખેતી માટે પાણીની પર્યાપ્ત સિંચાઈ હેઠળ ખેતીલાયક વિસ્તારને વિસ્તારવા અને ટકાઉ જળ સંરક્ષણ માટે પીએમ કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિની સિસ્ટમ બેસાડવા માટે સબસિડી આપવામાં આવે છે.
60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઈઃ નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ યોજના એટલે કે e-NAM એ રાષ્ટ્રીય કક્ષાનું ઈલેક્ટ્રોનિક પોર્ટલ આધારિત બજાર છે. જે ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ ઈન્ટરનેટ દ્વારા વિવિધ રાજ્યોના કૃષિ પેદાશોના માર્કેટને જોડવાનો છે. પીએમ કિસાન માનધન યોજના છે જેમાં 60 વર્ષની ઉંમર પછી પેન્શનની જોગવાઈ છે. જેમાં 18થી 40 વર્ષની ઉંમરના ખેડૂતો ભાગ લઈ શકે છે. જેમાં લાભાર્થી ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી માસિક 3000 રૂપિયા અથવા વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મળે છે. આ યોજનામાં દર મહિને રૂ. 55થી રૂ. 200 સુધીનું યોગદાન આપવાનું હોય છે.