જૂનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે રોજ જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા મતક્ષેત્ર સંબંધી ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચૂંટણી સભાનું આયોજન એગ્રિકલ્ચર યુનિવર્સીટીના રમતગમત સંકુલમાં કરવામાં આવ્યું છે.
ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઃ વડાપ્રધાનની ચૂંટણી સભામાં 40 હજાર જેટલા લોકો ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે. વડાપ્રધાનની ચૂંટણી સભામાં પોલીસ બંદોબસ્ત ખૂબ જ મહત્વનો બની રહેતો હોય છે. આજથી જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સભા સ્થળે ફાળવવામાં આવેલી કામગીરીમાં જોડાઈ ગયા છે. સભા મંડપ અને પાર્કિંગથી લઈને સમગ્ર વિસ્તારમાં કોઈ પણ મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરી છે.
એસપી કક્ષાના 7 અધિકારીઓઃ વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા સંદર્ભે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સભા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી એસપી કક્ષાના 7 અધિકારીઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. જેઓ સતત સમગ્ર સભા સ્થળ પર કામગીરી કરશે. આ સિવાય 14 જેટલા નાયબ પોલીસ અધિક્ષકોને પણ સભા મંડપ અને હેલીપેડ સુધીના આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. સભા સ્થળ પર આવેલા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 2,500 કરતાં પણ વધુ પોલીસ પેરામિલેટરી ફોર્સ અને અન્ય જવાનોને ડ્યુટી સોંપી દેવાઈ છે. આ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓએ આજથી જ સભા સ્થળે પોતાની ડ્યૂટીનો ચાર્જ લઈને જ્યાં સુધી સભા પૂર્ણ ન થાય ત્યાં સુધી ખડેપગે રહેશે. 3 દિવસ સુધી સભા સ્થળ અને હેલીપેડ ખાતે પોલીસ રિહર્સલ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા.2જી મેના રોજ જૂનાગઢ ખાતે ચૂંટણી સભા સંદર્ભે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. જેમાં 7 એસપી, 14 ડીવાયએસપી કક્ષાના એમ કુલ મળીને 2500 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં જોડાયા છે...હર્ષદ મહેતા(પોલીસ અધિક્ષક, જૂનાગઢ)