ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024 સામે છે ત્યારે ગુજરાતમાં બદલીઓની મોસમ શરુ થઈ ગઈ છે. ગુજરાત પોલીસ બેડામાં બદલીનો ગંજીફો ચીપાયો છે. જેમાં 232 બિન હથિયારધારી પીઆઈની ટ્રાન્સફરના સાગમટે ઓર્ડર કરી દેવામાં આવ્યા છે.પોલીસ વિભાગમાં થયેલ બદલીઓનો દોર હજૂ પણ યથાવત રહી શકે છે. પોલીસ વિભાગમાં આવનારા દિવસોમાં આઈપીએસ અધિકારીઓની પણ બદલી થઈ શકવાની ચર્ચાઓ થઈ રહી છે.
પીઆઈ પીએસઆઈની સાગમટે ટ્રાન્સફરઃ ગુજરાત રાજ્યના મહત્વના શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા વગેરેમાં પોલીસ કર્મચારીઓના બદલીનો ગંજીફો ચીપાયો છે. જેમાં પીએસઆઈ અને પીઆઈની ટ્રાન્સફર કરવામાં આવી છે. એકસાથે 232 બિન હથિયારધારી પીઆઈના ટ્રાન્સફરના ઓર્ડર કરાયા છે. જો પીએસઆઈની વાત કરવામાં આવે તો 43 હથિયારધારી અને 551 બિન હથિયારધારી પીએસઆઈની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ગુજરાત ગૃહ વિભાગે પોલીસ અધિકારીઓની બદલીના આદેશને રજૂ કરતો પત્ર બહાર પાડ્યો છે. સૂત્રો અનુસાર આવનારા દિવસોમાં આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો પણ ચીપાઈ શકે છે.
બદલીની મોસમઃ ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં નાયબ સચિવની બદલીને હજૂ 24 કલાક પણ થયા નથી ત્યાંજ પોલીસ વિભાગમાં બદલીઓનો દોર શરુ થઈ ગયો છે. નાયબ સચિવના અધિકારીઓ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓની પણ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ(જીએડી) દ્વારા કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે આ બદલીઓ થઈ રહી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જો કે પોલીસ વિભાગમાં થયેલ બદલીઓનો દોર હજૂ પણ યથાવત રહી શકે છે. પોલીસ વિભાગમાં આવનારા દિવસોમાં આઈપીએસ અધિકારીઓની પણ બદલી થઈ શકવાની ચર્ચાઓ થઈ રહી છે.